વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 30મી નવેમ્બરને ગુરુવારના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘વિકાસ ભારત સંકલ્પ યાત્રા’ના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન એક રસપ્રદ ઘટના બની હતી. એક ગામની મહિલા સરપંચ બલવીર કૌર તેની ખુરશી પાસે ઊભી હતી. તે દરમિયાન અન્ય એક મહિલા લાભાર્થીએ, એ ખુરશીમાં બેસવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ પીએમ મોદીની નજર આના પર પડી અને તેમણે હસતા હસતા એ મહિલા સરપંચને કહ્યું, “તમે તમારી ખુરશી પકડી રાખો, નહીં તો તેના માટે ઘણા નવા દાવેદારો આવી રહ્યા છે.”
પીએમ મોદીએ કાર્યક્રમ દરમિયાન એવો દાવો કર્યો હતો કે તેમના 10 વર્ષના કામને જોયા બાદ તેમની સરકાર પર લોકોનો વિશ્વાસ ઘણો વધી ગયો છે. તેમણે અગાઉની જૂની સરકારોની પણ ટીકા કરતા કહ્યું કે, પહેલાની સરકારો પોતાને નાગરિકોના ‘મધર-ફાધર’ માનતી હતી અને વોટ બેંકને ધ્યાનમાં રાખીને કામ કરતી હતી.
પીએમ મોદીએ વધુમાં કહ્યું, “પહેલાની સરકારો સામંતવાદી માનસિકતા ધરાવતી સરકારો હતી. તેથી, આઝાદીના દાયકાઓ પછી પણ, વસ્તીનો મોટો ભાગ મૂળભૂત સુવિધાઓથી વંચિત રહ્યો છે. વડાપ્રધાન મોદીએ તેમની સરકારની કામગીરી અંગે કહ્યું કે તેમના માટે ગરીબ, યુવાનો, મહિલાઓ અને ખેડૂતો એ ચાર મોટી જાતિઓ છે.
‘વિકાસ ભારત સંકલ્પ યાત્રા’ શું છે?
વડાપ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, ‘વિકાસ ભારત સંકલ્પ યાત્રા’ દ્વારા સરકાર એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે, તમામ લાભાર્થીઓને મોદી સરકારની મોટી યોજનાઓનો લાભ મળી શકે. સરકારનું કહેવું છે કે તે આ યોજનાઓને નિર્ધારિત સમયમાં લાભાર્થીઓ સુધી પહોંચાડવા માંગે છે અને આ હેતુ માટે સરકાર વિકાસ ભારત સંકલ્પ યાત્રા તરફ આગળ વધી રહી છે.
‘વિકાસ ભારત સંકલ્પ યાત્રા’ હેઠળ, સરકારનો દાવો છે કે, તેમનું અભિયાન વાહન 12,000 થી વધુ પંચાયતો સુધી પહોંચી ગયું છે અને સરકારનો દાવો છે કે 30 લાખથી વધુ લોકોએ તેનો લાભ લીધો છે. આજે, ગુરુવારે, પ્રધાનમંત્રીએ રાહત દરે દવાઓનું વેચાણ કરતા જન ઔષધિ કેન્દ્રોની સંખ્યામાં વધારો કરવા માટે એક મહત્વપૂર્ણ પહેલ પણ કરી હતી. સરકાર આવા કેન્દ્રોની સંખ્યા 10,000 થી વધારીને 25,000 કરવાના પ્રયાસો કરી રહી છે.
શું છે ‘ડ્રોન દીદી સ્કીમ’?
વડાપ્રધાને ‘ડ્રોન દીદી યોજના’ પણ શરૂ કરી. આ યોજના હેઠળ, સરકારનું લક્ષ્ય 15,000 મહિલા સ્વ-સહાય જૂથોને ડ્રોન પહોંચાડવાનું છે. સરકાર આ કામ 2024-25 અને 2025-2026 વચ્ચે કરવા માંગે છે. સરકારનું કહેવું છે કે આ મહિલા સ્વ-સહાય જૂથો ‘ડ્રોન દીદી યોજના’ હેઠળ 15,000 ડ્રોન ખેડૂતોને ભાડે આપશે, જેનો તેઓ ખેતી સંબંધિત કામ માટે ઉપયોગ કરી શકશે.