ઉત્તર પ્રદેશના દેવરિયામાં થયેલા હત્યાકાંડમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કડક કાર્યવાહી કરી છે. આ કેસમાં બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. બીજી ઓક્ટોબરમાં થયેલા આ હત્યાકાંડમાં ઘરમાં ઘૂસી એક જ પરિવારના છ સભ્યોની હત્યા કરવામાં આવી હતી.
મુખ્યપ્રધાને સબ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, ડિસ્ટ્રિક્ટ એરિયા ઓફિસર, બે તેહસીલદાર, ત્રણ એકાઉન્ટન્ટ, એક હેડ કોન્સ્ટેબલ, ચાર કોન્સ્ટેબલ, બે લાઇટ ઇન ચાર્જ અને એક પોલીસ સ્ટેશન ઇનચાર્જને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ હત્યાકાંડની તપાસમાં કર્મચારીઓ અને અધિકારીઓની બેદરકારી સામે આવી છે. સત્યપ્રકાશ દુબેએ ગ્રામ સમાજની જમીન પર ગેરકાયદે કબજેના સંબધમાં આઇજીઆરએસ હેઠળ ફરિયાદો દાખલ કરી હતી. આ ફરિયાદો પોલીસ વિભાગ અને મહેસૂલ વિભાગને મોકલવામાં આવી હતી. જો કે બંને વિભાગોએ આ ફરિયાદોને ધ્યાનમાં લીધી ન હતી.
કેસની સમીક્ષા કર્યા પછી મુખ્યપ્રધાને મહેસૂલ અને પોલીસ વિભાગના જે કર્મચારીઓ અને અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે તેમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ યોગેશકુમાર ગોડ અને ડિસ્ટ્રિક્ટ એરિયા ઓફિસર જિલાજીત પણ સામેલ છે.
આ ઉપરાંત પૂર્વ એસડીએમ રામ વિલાસ, ઓમ પ્રકાશ, ધુ્રવ શુકલા, સંજીવ કુમાર ઉપાધ્યાય અને નિવૃત્ત તેહસીલદાર વંશરાજ રામ અને નિવૃત્ત રેવન્યુ અધિકારી રામાનંદ પાલની વિરુદ્ધ વિભાગીય કાર્યવાહી કરવામાં આવશે.
આ ઉપરાંત સસ્પેન્ડેડ તેહસીલદાર અભય રાજની સામે ચાર્જશીટ દાખલ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.