ભારતીય સંસ્કૃતિમાં દીકરીઓને ભગવાનનું રૂપ માનવામાં આવે છે અને કહેવાય છે કે, “યત્ર નાર્યસ્તુ પૂજયન્તે, રમન્તે તત્ર દેવતાઃ”, એટલે જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે, ત્યાં દેવતાઓનો નિવાસ હોય છે. એ વિચારસરણી અંતર્ગત દીકરીઓ નાની ઉંમરથી જ ધાર્મિક વિધાનમાં સહભાગી બને છે. આવાં વિધિમાં ‘ગૌરી વ્રત’નું વિશેષ સ્થાન છે, જેને અલૂણા વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. પાંચ દિવસ ચાલતા આ વ્રતમાં નાનકડા વયની બાળાઓ મીઠું છોડીને ઉપવાસ રાખે છે અને ભક્તિભાવપૂર્વક માતા ગૌરીનું પૂજન કરે છે. સાથે સાથે, તે દિનોમાં બાળકીઓ રોજ નવી શૃંગારભરેલી વેશભૂષા ધારણ કરે છે.
આ જ પરંપરા અને ભાવનાને ઉજાગર કરતો અનોખો પ્રયાસ સુરતના મોટા વરાછા ખાતે કરવામાં આવ્યો. અહીંના એબીસી સર્કલ પર આવેલી શિવઝ નેઈલ આર્ટ સ્ટુડિયો દ્વારા ખાસ ગૌરી વ્રત પાળતી દીકરીઓ માટે નિઃશૂલ્ક નેઈલ આર્ટ સેવા પૂરી પાડી ગઈ. શણગારનો શોખ રાખતી બાળકીઓના ચહેરા પર ખુશી છલકાતી જોઈ શકાય હતી, જ્યારે તેઓએ શણગારેલા નખ બતાવી પોતાના આનંદનો ઈઝહાર કર્યો.
આ સેવા અંતર્ગત કુલ 1111 દીકરીઓને નેઈલ આર્ટની સેવા આપવામાં આવી, જેના માટે અગાઉથી રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા. બાળકીઓ પોતપોતાના માતા-પિતા સાથે નિર્ધારિત સમય મુજબ પહોંચતી રહી. સંપૂર્ણ વ્યવસ્થિત રીતે, શાંતિપૂર્ણ માહોલમાં તમામ દીકરીઓએ નિઃશુલ્ક નેઈલ આર્ટની મજા લીધી.
આ એક નમ્ર સેવા પાછળનો ભાવ સ્પષ્ટ કર્યો સ્ટુડિયોની સંચાલિકા હસ્તિકા પટેલે, જેમણે જણાવ્યું કે, “મારે પણ એક દીકરી છે. મને ખબર છે કે દીકરીઓને શણગારનો કેટલો શોખ હોય છે. આ મારા માટે માત્ર એક સેવા નહીં પરંતુ સંતોષનો વિષય છે કે, મારી કલાની સાથે કોઈ દીકરીના ચહેરા પર સ્મિત આવે છે.” તેમણે ઉમેર્યું કે, “ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે નેઈલ આર્ટ જેવી સેવાઓ હંમેશાં શક્ય ન હોય, એ જ વિચારે અમે આ સેવા નિઃશુલ્ક રાખી છે. અમારું સમગ્ર સ્ટાફ પરિવારની જેમ આ સેવા આપી રહ્યો છે.”
આ ઉપરાંત, શિવઝ નેઈલ આર્ટ દ્વારા સ્થળના બહાર સુંદર ડેકોરેશન, બેસવાની વ્યવસ્થા અને પાણી જેવી આરામદાયક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેથી કોઈને પણ અડચણ ન આવે.
આવા પ્રયાસો માત્ર દીકરીઓને આનંદ આપતા નથી, પણ સમાજમાં સ્ત્રી માટેના સન્માન અને તેની ભાવનાઓને ઉજાગર કરીને એક સુંદર સંસ્કૃતિનો સંદેશ પણ આપે છે. દીકરીઓના માટે આવા વિશેષ પ્રસંગો સમાજને વધુ સંવેદનશીલ અને સમવેદનશીલ બનાવે છે.