ગુજરાતમાં આવેલી મોટાભાગની નગરપાલિકા વિસ્તારમાં લાઇટ ગૂલ થવાની અને પાણી વિતરણ ઠપ્પ થવાની સમસ્યા જાણે હવે કોઇ નવી વાત નથી રહી. આના માટે પાલિકા દ્વારા સંબંધિત સત્તાતંત્રને વીજળી અને પાણીના બિલ ચૂકવવામાં થતો વિલંબ જવાબદાર છે. અનેક નગરપાલિકાઓ કર્મચારીઓના પગાર અને અન્ય પ્રકારના ખર્ચના ખાડામાં ઉતરી જતી હોવાથી વિકાસ કામો અને નગરજનોની પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં ઊણી ઉતરી રહી છે. રાજ્યમાં ~10 લાખ કે તેથી વધુનું વીજબિલ ચૂકવવાનું બાકી હોય તેવી 74 નગરપાલિકાઓ છે જેમણે સંબંધિત વીજતંત્રને 46,355 લાખ એટલે કે ~463.55 કરોડ ચૂકવવાના બાકી છે. તેવી જ રીતે પાણી પુરવઠા વિભાગ કે અને નગરોને પાણી પૂરું પાડતી ઓથોરિટીને 71 પાલિકાઓ દ્વારા 1080.37 કરોડનું ચૂકવણું બાકી છે. આમ બંને સેવાની બાકી રકમનો સરવાળો કરીએ તો 1544 કરોડ જેટલો થવા પામે છે.આની પાછળ મુખ્ય કારણ પાલિકાઓની નાદાર જેવી સ્થિતિ હોવાનું સામે આવ્યું છે. અહીંયા જે પાલિકાનો ઉલ્લેખ કરાયો છે તે 10 લાખ કે તેથી વધુ બાકી રકમવાળી જ છે. ગ્રાન્ટના અભાવે અથવા પાલિકાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી બિલ ભરી શકાતા ના હોવાનો લગભગ તમામ પાલિકાનો એકસરખો જવાબ છે. બાકી વીજબિલની વાત કરીએ તો સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા રુ. 63 કરોડના લેણાં સાથે મોખરે છે. જ્યારે પાણી ચાર્જ પેટે રુ. 130 કરોડની બાકી સાથે ભૂજ તમામ પાલિકામાં અગ્રેસર છે. બાકી બિલ પેટે મોટાભાગની પાલિકાઓ પોતાની પાસે ભંડોળ ના હોવાની વાતનું રટણ કર્યું છે.
સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાનું 63 કરોડનું વીજબિલ બાકી રાજ્યની નગરપાલિકાઓમાં વીજતંત્ર અને પાણી પુરવઠાના બિલો ભરવામાં ઠાગાઠયા કરવામાં સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા નામચીન ગણાય છે. રાજ્યમાં 9 એવી નગરપાલિકા છે જેનું ₹10 કરોડ અથવા એથી વધારે વીજબિલ બાકી છે. જેમાં સુરેન્દ્રનગર પાલિકા ₹63 કરોડની બાકી રકમ સાથે સૌથી મોખરે છે. ત્યારબાદ અમરેલી જિલ્લાની સાવરકુંડલા પાલિકાનું ₹5500 લાખ વીજબિલ બાકી છે. અમરેલી પાલિકાના પણ ₹4481 લાખ. મોરબી જિલ્લાની માળિયા પાલિકાના ₹4545 લાખ, ભુજના 41 કરોડ, વિરમગામ અને પ્રાંગધ્રા પ્રત્યેકના ₹1500 લાખ, હળવદ પાલિકાના ₹1372 લાખ અને ગોધરા પાલિકાના ₹1127 લાખ વીજબિલ ભરવાના બાકી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આમ રાજ્યની નગરપાલિકાઓ દ્વારા કુલ ₹46355 લાખ એટલે કે ₹463.55 કરોડ જીઇબી અથવા વીજ ઓથોરિટીને ચૂકવવાના બાકી છે.
કચ્છમાં ગાંધીધામ અને ભુજ પાલિકા પર પાણીનું અધ લેણું ચડી ગયું છે. તેની પાછળ મુખ્યત્વે આવકના સિમિત સાધનો અને શહેરનો વિકાસ મુખ્ય છે. નગરપાલિકાની ઓક્ટ્રોય જેવી આવક બંધ થઈ ગઈ છે. જે ગ્રાન્ટ આવે છે તથા સ્વભંડોળની રકમમાંથી કર્મચારીઓના પગાર સહિતના અન્ય કામોમાં વપરાઈ જાય છે. ભુજ ભૂકંપ પહેલા માત્ર 5 કિમીમાં ફેલાયેલું હતુ. હાલ 56 કિમીમાં ફેલાયેલુ છે. વિસ્તાર અને વસતી વધ્યા છે.