આજે દેશમાં મહિલાઓએ રમતગમત, અભિનય, સંગીત નૃત્ય, જાહેર સેવા, રાજકારણ સહિતના તમામ ક્ષેત્રોમાં સફળતાના શિખરો શિર કર્યા છે. ખાનગી અને જાહેર સાહસોના કાર્યોમાં મહિલાઓની ભાગીદારી વધી છે. ત્યારે મહિલાઓ સાથે કોઈ અનિશ્ચિય બનાવના સમયે સ્વબચાવનું કૌશલ્ય મહિલાઓ માટે ખૂબ જ આવશ્યક છે. આજે વાત કરીએ નડિયાદની તુલસી બ્રહ્મભટ્ટની જેણે કરાટેમાં વિશેષ સિદ્ધિઓ હાંસલ કરીને મહિલાઓને આત્મરક્ષા માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
નડિયાદની ૧૮ વર્ષીય તુલસી ધર્મેશભાઈ અમેરિકાના ફ્લોરિડા ખાતે યોજાયેલ ઓર્લાન્ડો ઇન્ટરનેશનલ કરાટે ઓપન ચેમ્પિયનશિપમાં ભાગ લઈ ગોલ્ડ હાંસિલ કર્યો છે. તુલસીએ કરાટેની કુમિત ફાઇટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે તથા કાતા ફાઈટમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.
તુલસીએ ૧૮ વર્ષ કરતાં ઉપરની વય જૂથ કરાટે કોમ્પિટિશનમાં ભાગ લઈ ફાઈનલ અને સેમી ફાઈનલી મેચમાં યુએસએના પ્લેયર સામે છેલ્લી બે સેકન્ડમાં પોઇન્ટ સ્કોર કરીને ગોલ્ડ મેળવ્યો હતો.
પોતાની સફળતાની વાત કરતા તુલસી બ્રહ્મભટ્ટ જણાવે છે કે યુવતીઓએ ડાન્સ, યોગા અને સ્વિમિંગ સિવાય કરાટેની પ્રેક્ટિસ પણ કરવી જોઈએ. તેણીની કરાટેના માધ્યમ થકી યુવતીઓને સ્વ-બચાવ શીખવા માટે ખાસ અપીલ કરી છે.
તુલસી બ્રહ્મભટ્ટ હાલ ચાંગા યુનિવર્સિટી, આણંદ ખાતે બીબીએના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. તેણીની છેલ્લા આઠ વર્ષથી કરાટેની પ્રેક્ટિસ કરી રહી છે. કરાટેમા તેણીની કુમિત અને કાતા આર્ટનો દૈનિક અભ્યાસ કરે છે. તુલસીએ કરાટેમાં બ્લેક બેલ્ટ હાંસિલ કરેલ છે.
કરાટેમાં તુલસીએ અનેક સિદ્ધિઓ મેળવેલ છે. તેણીનીએ સ્કૂલ ગેમ્સમાં રાજ્યકક્ષાએ મેડલ પ્રાપ્ત કર્યો છે. આ સિવાય વર્ષ ૨૦૨૨માં દુબઈ ખાતે યોજાયેલ ઇન્ડિયા દુબઈ ફ્રેન્ડશીપ ટુર્નામેન્ટમાં પણ તુલસીએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
અભ્યાસની સાથે સાથે કરાટે જેવી અઘરા ગણાતા આર્ટમાં પણ સખત મહેનત દ્વારા વિશેષ સિદ્ધિઓ મેળવીને તુલસી બ્રહ્રભટ્ટે ખેડા જિલ્લા સહિત સમગ્ર દેશની યુવતીઓ માટે પ્રેરણારૂપ કામગીરી કરી છે.