બાળક અને માતાના પોષણમાં સુધારો લાવવા માટે માતાના જીવનના ૧૦૦૦ દિવસ જેમાં ૨૭૦ દિવસનો બાળક ગર્ભમાં હોય તે સમયગાળો અને જન્મથી ૨ વર્ષ (૭૩૦ દિવસ) આમ, આ ૧૦૦૦ દિવસ ઉપર ધ્યાન કેંદ્રીત કરી તે સમયગાળાની સાર સંભાળ જો યોગ્ય રીતે કરવામાં આવે તો, આવનાર પેઢીને તંદુરસ્ત અને સુપોષિત બનાવી શકાય. આવી સંવેદનશીલ બાબતને ખાસ ધ્યાને રાખીને માતા અને બાળકના ૧૦૦૦ દિવસની સારી સંભાળ અને તેમને પૂરતુ પોષણ મળી રહે તે માટે સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ ૬ માસથી ૨ વર્ષના બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવવા માટે સરકાર દ્વારા “મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના” અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ જિલ્લામાં વર્ષ ૨૦૨૩-૨૪ માં કુલ ૨,૩૭,૯૮૮ લાભાર્થીઓને આ યોજના હેઠળ લાભ આપવામાં આવેલ છે.
કુપોષણમુક્ત બનવાની દિશામાં કાર્યરત ખેડા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે રીપોર્ટ (NFHS-5) ના સર્વે મુજબ, ખેડા જિલ્લામાં અતિગંભીર કુપોષિત બાળકોનું પ્રમાણ વધુ હોવાથી પોષણ સ્તરની આ પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લામાં કુપોષણ મુક્ત કરવા માટેની પહેલ કરવામાં આવી છે. ગળતેશ્વર, ઠાસરા અને મહુધા તાલુકામાં અન્ય તાલુકાની સાપેક્ષમાં અતિકુપોષિત (SAM) બાળકોનું પ્રમાણ વધુ જોવા મળતાં ઉક્ત ત્રણ તાલુકામાં પાઇલોટ પ્રોજેક્ટની શરૂઆત સપ્ટેમ્બર,૨૦૨૩ થી કરવામાં આવી. જેમાં કુલ ૧૫૦ માંથી ૧૪૦ થી વધુ બાળકોને કુપોષણમાંથી બહાર લાવવામાં સફળતા મળી.
પાઈલોટ પ્રોજેક્ટમાં મળેલ સફળતાને ધ્યાનમાં રાખીને ખેડા જિલ્લાના તમામ ૧૦ તાલુકામાં ૧૪૦ થી પણ વધુ આંગણવાડી કેન્દ્રો મારફતે ૫૦૦ થી વધુ અતિકૂપોષિત બાળકોને આવરી લઈ કુપોષણ મુક્ત ખેડા પ્રોજેક્ટનું અમલીકરણ ડીસેમ્બર-૨૦૨૩ માં કરવામાં આવ્યું જેમાં કુલ ૪૮૦ થી પણ વધુ બાળકો અતિકુપોષણમાંથી બહાર આવ્યા.
પાઇલોટ પ્રોજેક્ટ તથા પ્રથમ તબક્કાની સફળતાને ધ્યાને લઇ જિલ્લાનાં ૩૧૬ ગામનાં ૫૧૬ આંગણવાડી કેન્દ્રોના ૧૦૦૦ બાળકોને નિયત કરી ૫ ઓગષ્ટ, ૨૦૨૪ થી કુપોષણ મુક્ત ખેડા પ્રોજેક્ટના બીજા તબક્કાની શરૂઆત કરવામાં આવી જેમાં કુલ ૯૯૦ થી વધુ બાળકો અતિકુપોષણમાંથી બહાર આવ્યા છે. ત્યારે જિલ્લાનાં વાલીઓને પણ અનુરોધ કરવામાં આવ્યો છે કે જો તેમના બાળકમાં કુપોષણના કોઈ લક્ષણ જણાય તો નજીકની આંગણવાડીનો સંપર્ક કરવો.