ગયા રવિવારે બનેલી આ ઘટનામાં મદદરૃપરૃપ થવા માટે પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રે બે ગ્રીન કોરીડોર બનાવ્યા હતા. એક કોરીડોર બ્રેઇન ડેડ દરદીનું હૃદય સાંગલીથી કોલ્હાપુર એરપોર્ટ તરફ જવા માટે તૈયાર કરાયો હતો.આ કોરીડોર પર ફક્ત ૩૪ મિનિટનો સમય થયો હતો.ખરેખર તો સાંગલીથી કોલ્હાપુર પહોંચવામાં એક કલાક કરતાં વધુ સમય થાય છે. કોલ્હાપુર એરપોર્ટથી મુંબઇ પહોંચવાનું હતું.
બીજો કોરીડોર સાંગલીથી પુણે જવા માટે તૈયાર કરાયો હતો. આ કોરીડોર પર ફક્ત અઢી કલાકમાં પેલા બ્રેઇન ડેડ દરદીનાં ફેફસાં તથા બે કિડની લઇ જવાયાં હતાં. સામાન્ય રીતે સાંગલીથી પુણે પહોંચવામાં પાંચ કલાક થાય છે.
બ્રેઇન ડેડ દરદીનાં આ તમામ અંગોનું દાન પુણેનાં ત્રણ, સાંગલીનાં બે, મુંબઇના એક એમ કુલ છ દરદીઓને મળ્યું હતું.
સાંગલીની એક વ્યક્તિનું બ્લડપ્રેશર અતિશય વધી જતાં તેને સાંગલીની જ એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.સારવાર દરમિયાન તે દરદી ત્રણ દિવસ બાદ મૃત્યુ પામ્યો હતો.મૃત્યુ પામેલા દરદીનાં કુટુંબીજનોએ તેનાં અંગોનું દાન કરવાનો મહત્વનો નિર્ણય કર્યો હતો.
નિષ્ણાત તબીબોએ પેલા બ્રેઇન ડેડ દરદીનાં હૃદય, બે કિડની, બે ફેફસાં, આંખનાં નેત્રપટલ(જેને કોર્નિયા કહેવાય છે) એમ કુલ છ અંગો લઇ લીધાં હતાં.પેલા બ્રેઇન ડેડ દરદીનું હૃદય સાંગલીના એરપોર્ટથી વિમાન દ્વારા મુંબઇ લાવવામાં આવ્યું હતું.મુંબઇના એક યુવાન દરદીને હૃદયનું દાન મળ્યું હતું.