‘ધૂમ’ અને ‘ધૂમ ટૂ’ના દિગ્દર્શક સંજય ગઢવીનું આજે મુંબઈના અંધેરીમાં મોર્નિંગ વોક દરમિયાન હાર્ટ એટેકને લીધે અચાનક નિધન થતાં સમગ્ર બોલીવૂડ શોકમાં ગરકાવ થઈ ગયું છે. સંજય ગઢવીને ત્રણ જ દિવસ પછી ૫૬ વર્ષ પૂરાં થઈ ૫૭મું વર્ષ બેસવાનું હતું પરંતુ એ પહેલાં તેમનું અચાનક નિધન થયું છે. તેમની અંતિમ યાત્રા આવતીકાલે સવારે યોજાવાની છે. અભિષેક બચ્ચન, હૃતિક રોશન તથા જ્હોન અબ્રાહમ, બિપાશા બસુ સહિતના ‘ધૂમ’ સીરીઝના કલાકારો ઉપરાંત બોલીવૂડના સંખ્યાબંધ સેલિબ્રિટીઓએ સંજય ગઢવીના અચાનક નિધન અંગે ભારે આઘાતની લાગણી વ્યક્ત કરી હતી.
સંજય ગઢવીના પિતા મનુભાઈ ગઢવી વિખ્યાત લોકસાહિત્યકાર ઉપરાંત ગુજરાતી ફિલ્મોના નિર્માતા પણ હતા. ગઢવી પરિવાર મૂળ સુરેન્દ્રનગર જિલ્લાનો વતની હતો.
અંધેરી લોખંડવાલા ખાતે આજે સવારે ૯.૩૦ના અરસામાં તેઓ મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા ત્યાર માર્ગમાં જ ઢળી પડયા હતા. તેમને તત્કાળ નજીકની ખાનગી હોસ્પિટલે લઈ જવાયા હતા પરંતુ તેમને બચાવી શકયા ન હતા.
તેમનાં દીકરી સંજનાએ સમાચાર સંસ્થાને જણાવ્યા અનુસાર સંજય ગઢવી સંપૂર્ણ સ્વસ્થ હતા. તેમને કોઈ જાતની બીમારી ન હતી.સંજય ગઢવીના પરિવારમાં પત્ની ઉપરાંત બે દીકરીઓનો સમાવેશ થાય છે. તેમની અંતિમયાત્રા આવતીકાલે સવારે ૧૦.૩૦ કલાકે મુંબઈના ઓશિવારા સ્મશાનગૃહ ખાતે યોજાશે.
ફિલ્મ અભિનેતા અભિષેક બચ્ચને પોતાને પહેલી સુપરહિટ ફિલ્મ આપનારા દિગ્દર્શક તરીકે સંજય ગઢવીને શ્રદ્ધાંજલિ આપી હતી. અભિષેકે જણાવ્યું હતું કે હજુ ગયાં સપ્તાહે જ અમારી વાત થઈ હતી અમે ‘ધૂમ ટૂ’નો ક્લાઈમેક્સ આફ્રિકામાં શૂટ કર્યો હતો એ સ્મરણો વાગોળ્યાં હતાં..
પ્રિતમને સંગીતકાર તરીકે પહેલો બ્રેક સંજય ગઢવી દિગ્દર્શિત ‘મેરે યાર કી શાદી હૈ’થી મળ્યો હતો. પ્રિતમે શ્રદ્ધાંજલિ આપતાં લખ્યું હતું કે આ સમાચાર હું પચાવી શકતો નથી. મારી આસપાસના તમામ અવાજો જાણે કે દબાઈ ગયા છે.
સંજય ગઢવીની દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ ૨૦૦૦ની સાલમાં આવેલી ‘તેરે લિયે’ હતી.તેમના દ્વારા દિગ્દર્શિત અન્ય ફિલ્મોમાં ણે ધૂમ, ધૂમ ટૂ’ , મેરે યાર કી શાદી હૈ, કિડનેપ, અજબ ગઝબ લવ તથા ઓપરેશન પરિંદેનો સમાવેશ થાય છે.