અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય રામ મંદિરનું નિર્માણકાર્ય પુર્ણ થવાને આરે છે. 2024 જાન્યુઆરીમાં મંદિર સંપૂર્ણ તૈયાર થઇ જશે. મંદિરના નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ અયોધ્યાની કાયાકલ્પ શરૂ થશે. રામ મંદિર પછી અયોધ્યાના કાયાકલ્પની પણ શરૂઆત થશે. જેના માટે ભારતીય રેલવેએ તેનો માસ્ટર પ્લાન પણ તૈયાર કરી લીધો છે. જાન્યુઆરીમાં આયોજિત રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ માટે તડામાર તૈયારી ચાલી રહી છે. તૈયારીના ભાગરૂપે રેલવે સ્ટેશનનો આગળનો ભાગ અને દરવાજો ભવ્ય બનાવાયો છે.
મંદિરના ઉદ્ઘાટન દરમિયાન ભારે ભીડને જોતા રેલવેએ દેશભરમાં મોટા પાયે વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે. મળતી માહિતી મુજબ, રેલવે એક સપ્તાહમાં અયોધ્યા માટે 100થી વધુ વિશેષ ટ્રેનો દોડાવી શકે છે.
આ રીતે બનશે અયોધ્યા રેલવે સ્ટેશન
રામ મંદિર બાદ અયોધ્યાના રેલવે સ્ટેશનને કાયાકલ્પ કરવામાં આવશે. રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર અયોધ્યા રેલવે સ્ટેશનના પુનઃવિકાસનું કામ બે તબક્કામાં કરવામાં આવી રહ્યું છે. 240 કરોડના ખર્ચે પ્રથમ તબક્કાનું કામ આ વર્ષે 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. જેમાં સ્ટેશનની ક્ષમતા હાલના પાંચ હજાર પેસેન્જરોથી વધારીને એક લાખ પેસેન્જર કરવામાં આવી રહી છે. બીજું, સ્ટેશનનો આગળનો દરવાજો અને આગળનો ભાગ રાજસ્થાનના ભરતપુરના બંસી પહારપુરના એ જ પથ્થરોમાંથી બનાવવામાં આવ્યો છે, જેનો ઉપયોગ રામલલ્લાનું મંદિર બનાવવા માટે કરવામાં આવે છે. આખી દુનિયામાં પ્રખ્યાત આ પથ્થર જ્યારે વરસાદ પડે છે ત્યારે તેની ચમક વધી જાય છે.
મંદિરની નજીક જ હશે સ્ટેશન
સ્ટેશનની આગળ અને પ્લેટફોર્મ બંને બાજુએ આઠ મંદિર જેવા પિરામિડ બનાવવામાં આવ્યા છે. સ્ટેશનના આગળના દરવાજાથી પ્રવેશતા જ લોકોને અયોધ્યા મંદિરમાં પ્રવેશવાનો આનંદદાયક અનુભૂતિ થશે. અહીં અદ્ભુત લેન્ડસ્કેપિંગ કરવામાં આવી રહ્યું છે. સંભવ છે કે સ્ટેશનના ગેટ પાસે ભગવાન શ્રી રામની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવે. આગળના ગેટ પર ભગવાન શ્રી રામનો મુગટ બનાવવામાં આવશે.
બીજા તબક્કામાં 6 પ્લેટફોર્મ તૈયાર થશે
રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, રૂ. 422 કરોડના બાંધકામના બીજા તબક્કામાં સ્ટેશન પર હાલના ત્રણ પ્લેટફોર્મને છ પ્લેટફોર્મ સુધી વિસ્તૃત કરવામાં આવશે. જેથી અહીંથી વધુને વધુ ટ્રેનો ચાલી શકે. આ સિવાય પ્લેટફોર્મ પર મેટ્રો સ્ટેશનની જેમ ખાણી-પીણી અને વેઈટિંગ લાઉન્જ બનાવવાની પણ યોજના છે. સ્ટેશનની અંદર અને બહાર 12 લિફ્ટ્સ, 14 એસ્કેલેટર, ફૂડ પ્લાઝા, પૂજાની દુકાનો, ક્લોક રૂમ અને રિટાયરિંગ રૂમ સહિત શયનગૃહો હશે.