વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં ફાઈટર એરક્રાફ્ટ તેજસમાં ઉડાન ભરી હતી. તેમણે શનિવારે (25 નવેમ્બર 2023) બેંગલુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ની સુવિધાની મુલાકાત લીધી. પીએમઓના જણાવ્યા અનુસાર તેઓ તેજસ જેટના મેન્યુફેક્ચરિંગ હબનું નિરીક્ષણ કરવા આવ્યા હતા.
ભારતીય વાયુસેના સતત ‘આત્મનિર્ભર ભારત’ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તે અન્ય દેશોમાં બનેલા એરક્રાફ્ટને બદલે પોતાના દેશમાં બનેલા એરક્રાફ્ટને સામેલ કરવાનો આગ્રહ કરી રહી છે.કેટલાક દેશોએ તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ ખરીદવામાં રસ દાખવ્યો છે.
યુએસ ડિફેન્સ જાયન્ટ GE એરોસ્પેસે વડા પ્રધાનની યુએસ મુલાકાત દરમિયાન MK-II તેજસ માટે સંયુક્ત રીતે એન્જિન બનાવવા માટે HAL સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ વર્ષે એપ્રિલમાં કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2022-2023માં ભારતની સંરક્ષણ નિકાસ રૂ. 15,920 કરોડની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. તેમણે કહ્યું હતું કે દેશ માટે આ એક નોંધપાત્ર સિદ્ધિ છે.
તેજસ એ સિંગલ-એન્જિન મલ્ટી-રોલ કોમ્બેટ એરક્રાફ્ટ છે જે ઉચ્ચ જોખમી હવાઈ વાતાવરણમાં કાર્ય કરવા સક્ષમ છે. તે 6,500 કિગ્રા વજનનું સિંગલ એન્જિન લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ છે. તેના 50 ટકા રો-મટીરીયલ ભારતમાં જ બને છે.
આ ફાઇટર પ્લેન ઇઝરાયેલના EL/M-2052 રડારથી સજ્જ છે, જે એક સાથે 10 લક્ષ્યોને ટ્રેક કરી શકે છે અને હુમલો કરી શકે છે. તેને ટૂંકા રનવે પરથી ટેકઓફ કરી શકાય છે અને તેમાં 6 પ્રકારની મિસાઈલ, લેસર ગાઈડેડ બોમ્બ અને ક્લસ્ટર હથિયારો લગાવી શકાય છે.તે એક સમયે 3000 કિલોમીટર સુધી ઉડી શકે છે. ‘તેજસ માર્ક-2’ તેનું એડવાન્સ વર્ઝન છે જે 56,000 ફૂટથી વધુની ઊંચાઈ સુધી ઉડી શકે છે.
તેજસને હવાઈ સંરક્ષણ, દરિયાઈ જાસૂસી અને લડાયક ભૂમિકાઓ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. તેજસને સામેલ કરનાર IAF ની પ્રથમ સ્ક્વોડ્રન નંબર 45 સ્ક્વોડ્રન હતી – ‘ફ્લાઈંગ ડેગર્સ’. મે 2020 માં, નંબર 18 સ્ક્વોડ્રન તેજસનું સંચાલન કરવા માટે IAF ની બીજી સ્ક્વોડ્રન બની.