અમેરિકાની વિદેશ નીતિ પર સૌથી વધારે પ્રભાવ પાડનારા દેશના પૂર્વ વિદેશ મંત્રી હેનરી કિસિન્જરનુ 100 વર્ષની વયે બુધવારે નિધન થયુ છે.
કિસિન્જરે અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સન તેમજ જિરાલ્ડ ફોર્ડના સમયમાં અમેરિકાની વિદેશ નીતિમાં મહત્વનો રોલ અદા કર્યો હતો. તેમનુ નિધન થતા જ દુનિયાના વિવિધ દેશો તેમને અલગ અલગ રીતે યાદ કરી રહ્યા છે.
ભારતની વાત કરવામાં આવે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971માં થયેલા યુધ્ધમાં કિસિન્જરની ભારત વિરોધી ભૂમિકા રહી હતી. કોંગ્રેસના સિનિયર નેતા જયરામ રમેશે કહ્યુ છે કે, 1971માં અમેરિકન રાષ્ટ્રપતિ નિક્સન તેમજ કિસિન્જરે ભારત માટે માથાનો દુખાવો ઉભો કર્યો હતો પણ તે સમયના ભારતના વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને તેમના સહયોગી અધિકારી પી એન હક્સરે નિક્સન અને કિસિન્જરને પછડાટ આપી હતી.
ભારતે જ્યારે પાકિસ્તાનમાંથી અલગ થવા માંગતા બાંગ્લાદેશની મદદ શરુ કરી ત્યારે નિક્સન અને કિસિન્જર રોષે ભરાયા હતા. તેમણે પાકિસ્તાનની શક્ય હોય તેટલી મદદ કરી હતી . આમ છતા ભારતે પાકિસ્તાન સામે યુધ્ધ જીતીને બાંગ્લાદેશને આઝાદી અપાવવામાં મદદદ કરી હતી.
જોકે નિક્સનને વિયેતનામ યુધ્ધ ખત્મ કરાવવા માટે અને ચીન સાથેના સબંધો સુધારવા માટે પણ શ્રેય આપવામાં આવે છે. 1973માં તેમને શાંતિ માટેનુ નોબેલ પ્રાઈઝ આપવામાં આવ્યુ હતુ. જોકે તેમને લઈને દુનિયાના વિવિધ દેશો અલગ અલગ અભિપ્રાય ધરાવતા હતા. ટીકાકારો કિસિન્જરને વોર ક્રિમિનલ તરીકે ઓળખાવતા હતા.
જોકે અમેરિકાની વિદેશ નીતિ પર તેમનો ભારે પ્રભાવ રહ્યો હતો તે વાત ચોક્કસ છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે કહ્યુ હતુ કે, અમેરિકાએ વિદેશ નીતિ માટે દેશના એક મજબૂત અને વિશ્વાસુ અવાજને આજે ગુમાવ્યો છે.