કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી ક્રિકેટ તમામ ભારતીયોને એકબીજાની સાથે જોડે છે. જમ્મુ કાશ્મીરમાં કોઈ પણ પરિસ્થિતિ હોવા છતાં પણ આ રમતના ચાહકોની સંખ્યામાં ક્યારેય ઘટાડો થયો નથી, છતાં જમ્મુ-કાશ્મીરમાં મોટી ટુર્નામેન્ટના આયોજન અંગે હંમેશા અસમંજસ રહેતી હતી, પણ હવે સમય બદલાયો છે. જમ્મુ-કાશ્મીરમાં ક્રિકેટ સહિત અન્ય રમતોની ટુર્નામેન્ટનું મોટા પ્રમાણમાં આયોજન શક્ય બન્યું છે.
જમ્મુ-કાશ્મીરમાં રમતોને પ્રમોટ કરવામાં સરકાર સફળ
મોદી સરકાર દ્વારા વર્ષ 2019માં ધારા 370 હટાવવામાં આવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં સતત મોટા પરિવર્તનો થયા છે, જેમાં આતંકવાદ પર રોક લાગવાની સાથે શિક્ષણ અને રમતોમાં લોકોનો ઉત્સાહ ખૂબ વધ્યો છે. સરકાર પણ જમ્મુ-કાશ્મીરમાં રમતોને વધુ પ્રાધાન્ય આપી રહી છે અને પ્રમોટ કરી રહી છે. એવામાં જમ્મુ કાશ્મીરમાં IPL જેવી મોટી ટુર્નામેન્ટનું આયોજન કરવા માટેના દરવાજા હવે ખૂલી ગયા છે.
લેજેન્ડસ લીગ ક્રિકેટનું થયું આયોજન
હાલમાં જ જમ્મુ કાશ્મીરમાં ભારત સહિત અનેક દેશના પૂર્વ દિગ્ગજ રિટાયર્ડ ક્રિકેટરો વચ્ચે રમાતી લેજેન્ડસ લીગ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઈરફાન પઠાણ, પાર્થિવ પટેલ, હરભજન સિંહ, મોહમ્મદ કૈફ, પ્રવીણ કુમાર, રોબિન ઉથપ્પા સહિત અનેક સ્ટાર ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ તમામ ખેલાડીઓ જમ્મુમાં લેજેન્ડસ લીગની મેચો રમ્યા છે. સ્ટાર ખેલાડીઓ વચ્ચેની આ ટુર્નામેન્ટનું મોટી સંખ્યામાં લોકો આનંદ લઈ રહ્યા છે.
IPL મેચો જમ્મુમાં રમાડવાની વિનંતી કરાઈ
લેજેન્ડસ લીગ ક્રિકેટમાં હાલમાં રમી રહેલ એક ક્રિકેટરે જમ્મુમાં મોટી ટુર્નામેન્ટના આયોજન અંગે વાતચીત કરી હતી. અફઘાનિસ્તાનના પૂર્વ કેપ્ટન અસગર અફઘાને BCCIને IPL મેચો જમ્મુમાં રમાડવાની વિનંતી કરી હતી. આ અંગે હજી BCCI તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી, પરંતુ નજીકના ભવિષ્યમાં જમ્મુ કાશ્મીરમાં IPLના આયોજન અંગે કોઈ જાહેરાત કરવામાં આવી શકે છે.
જમ્મુ-કાશ્મીરનું ક્રિકેટ કનેક્શન
જમ્મુ કાશ્મીરથી ભારતને કેટલાક સારા ક્રિકેટરો મળ્યા છે જે નેશનલ અને ઈન્ટરનેશનલ લેવલ પર છાપ છોડવામાં સફળ રહ્યા છે. જેમાં પરવેઝ રસુલ અને ઉમરાન મલિકનું નામ સામેલ છે. પરવેઝ રસુલ ઓલરાઉન્ડર છે અને IPLમાં સનરાઈઝર્સ તરફથી રમી ચૂક્યો છે. જ્યારે ફાસ્ટ બોલર ઉમરાન માલિક હાલના સમયના સૌથી ફાસ્ટ બોલરોમાં એક છે અને IPL તથા આંતરરાષ્ટ્રીય લેવલ પર ટીમ ઈન્ડિયા તરફથી રમી અલગ છાપ છોડવામાં સફળ રહ્યો છે.
જમ્મુ-કાશ્મીરમાં આ રમતો છે પ્રચલિત
જમ્મુ-કાશ્મીરમાં ક્રિકેટની રમત તો ફેમસ છે જ સાથે જ ત્યાં ફૂટબોલ અને ગોલ્ફના ચાહકો પણ મોટી સંખ્યામાં છે. આ ગેમ્સમાં જમ્મુથી કેટલાક ખેલાડીઓએ મોટું નામ પણ કમાયું છે. જમ્મુ-કાશ્મીર ગોલ્ફ ટુર્નામેન્ટના આયોજન માટે પણ ફેમસ છે. જમ્મુ-કાશ્મીરમાં elite ક્લાસ લોકોમાં ગોલ્ફની રમત ખૂબ જ પ્રખ્યાત છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાનું નામ પણ સામેલ છે.
ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનની ઉઠી માંગ
વર્ષ 2019માં ધારા 370 હટાવવામાં આવ્યા બાદ છેલ્લા ચાર વર્ષમાં મોટી ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનની જમ્મુ-કાશ્મીરના લોકો દ્વારા સતત માંગ ઉઠી છે. જે બાદ સરકાર દ્વારા અનેક ડોમેસ્ટિક મેચો જમ્મુમાં યોજવામાં આવી રહી છે અને હાલ લેજેન્ડસ લીગ ક્રિકેટનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. સરકાર આવી મોટી ટુર્નામેન્ટ અંગે પહેલા લોકોનો અભિપ્રાય, બાદમાં ટુર્નામેન્ટમાં દર્શકોના પ્રતિસાદ અને ટુર્નામેન્ટની સફળતાના આધારે આવી ટુર્નામેન્ટનું આયોજન કરે છે.
જમ્મુમાં યોજાઈ શકે છે IPLની મેચ
IPL વિશ્વની સૌથી મોટી અને સૌથી સફળ ક્રિકેટ લીગ છે. IPLની 16 સિઝન હજી સુધી રમાઈ ચૂકી છે, જેમાં માત્ર બે જ વાર ટુર્નામેન્ટ ભારતની બહાર યોજવામાં આવી હતી. પહેલી વાર 2009માં આફ્રિકામાં અને બીજી વાર 2014માં UAEમાં IPL યોજાઈ હતી, કારણેકે આ બંને વર્ષે IPL દરમિયાન દેશમાં ઈલેક્શન હતા. હવે આગામી ચૂંટણી 2024માં યોજાશે, જેને લઈ IPLના સ્થળોમાં ફેરફાર થઈ શકે છે. એવામાં દેશની બહાર આયોજન કરવાની જગ્યાએ કેટલીક મેચો જમ્મુ કાશ્મીરમાં પણ આયોજિત કરી શકાય એવા ચાન્સ છે. જો આવું શક્ય બને છે તો જમ્મુ માટે આ સૌથી મોટી તક સાબિત થઈ શકે છે.
IPLની મેચો જમ્મુમાં રમાશે તો થશે ફાયદો
જો IPLની મેચો જમ્મુમાં રમાશે તો ભારત સરકાર અને જમ્મુ કાશ્મીર માટે આ મોટી ઉપલબ્ધિ સમાન બની રહેશે. જમ્મુમાં IPL મેચોના આયોજનથી ક્રિકેટને વધુ પ્રમોટ કરી શકાશે. સાથે જ યુવા પેઢીઓમાં રમત પ્રત્યે ઉત્સાહ વધશે અને જમ્મુ કાશ્મીરના ખેલાડીઓને IPL સ્ટાર ખેલાડીઓ સાથે રમવાનો અનુભવ મળશે. આ સિવાય પૈસા અને પ્રસિદ્ધિ બંને પણ આ ખેલાડીઓને મળશે જેથી યુવા પેઢી આ રમતથી વધુ પ્રોત્સાહિત થશે. આ સિવાય સૌથી મોટો ફાયદો આતંકવાદથી યુવાઓને વધુ દૂર લઈ જઈ શકાશે.