BSF દ્વારા ત્રિપુરામાં ભારત-બાંગ્લાદેશ સરહદ નજીકથી અનેકવાર ઘૂસણખોરોને ઝડપ્યા છે ત્યારે ભારતે કુલ 716 ઘૂસણખોરોની ધરપકડ કરી છે જેમાં 112 રોહિંગ્યા અને 319 બાંગ્લાદેશી સામેલ છે. આ માહિતી બોર્ડર સિક્યોરિટી ફોર્સ ના એક અધિકારીએ આપી હતી.
BSFએ ગયા વર્ષે કુલ 369 ઘૂસણખોરો પકડાયા હતા
બોર્ડર સિક્યોરિટી ફોર્સે શુક્રવારે 59મો સ્થાપના દિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે BSF ત્રિપુરા ફ્રન્ટિયર હેડક્વાર્ટરને સંબોધતા ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ આરકે સિંહે જણાવ્યું હતું કે ગયા વર્ષે કુલ 369 નાગરિકો ઉત્તર-પૂર્વના રાજ્યો સાથેની આંતરરાષ્ટ્રીય સરહદને ગેરકાયદેસર રીતે પાર કરતા પકડાયા હતા, જેમાં 150 બાંગ્લાદેશીઓ, 160 ભારતીયો અને 59 રોહિંગ્યાનો સામેલ હતા. તેમણે વધુમાં કહ્યું હતું કે વર્ષ 2023માં ઘૂસણખોરી કરતા કુલ 716 લોકોની ધરપકડ કરી છે જેમાં 319 બાંગ્લાદેશી, 112 રોહિંગ્યા અને 285 ભારતીયોનો સમાવેશ થાય છે. આ સાથે આ વર્ષે BSFએ સરહદ નજીકથી 23.12 કરોડ રૂપિયાના માદક દ્રવ્યો પણ જપ્ત કર્યા છે.
1 ડિસેમ્બર 1965ના રોજ BSF સ્થાપના થઈ હતી
આરકે સિંહ અને બીએસએફ બોર્ડર ગાર્ડના બાંગ્લાદેશ સાથે સારા સંબંધો છે. આ વિસ્તારમાં શાંતિ જાળવવા માટે યોગ્ય સ્તરે નિયમિત વાટાઘાટો કરવામાં આવે છે. ભારતનું ઉત્તરપૂર્વીય રાજ્ય બાંગ્લાદેશ સાથે 856 કિલોમીટર લાંબી સરહદ વહેંચે છે. ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા 1 ડિસેમ્બર 1965ના રોજ આંતરરાષ્ટ્રીય સરહદ પર નજર રાખવા માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સની સ્થાપના કરવામાં આવી હતી.