“શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” કેમ્પેઇન-2023 હેઠળ એસ. ટી. નિગમમાં રાજ્યવ્યાપી સ્વચ્છતા ઝુંબેશ હેઠળ કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલાએ એસટી મથકે સફાઈ અભિયાન હાથ ધરી ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો હતો.
ખેડા જિલ્લામાં નડિયાદ, કપડવંજ, માતર, મહુધા, ડાકોર અને ખેડા ખાતે વિવિધ મહાનુભાવોની અધ્યક્ષતામાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતાની વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી હતી. જેમાં બસ સ્ટેન્ડસમાં સફાઈ, બસોમાં ડસ્ટબીન મુકવા સહિત મુસાફરોને સફાઈ માટે આગ્રહી બનવાનો સંદેશો આપવાની પ્રવૃતિઓ કરવામાં આવી હતી.
સ્વચ્છતા અભિયાન અંતર્ગત નડિયાદમાં એસ.ટી બસ સ્ટેન્ડ ખાતે નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહની અધ્યક્ષતામાં, મહુધા એસ.ટી બસ સ્ટેન્ડ ખાતે ધારાસભ્ય સંજયસિંહ મહિડાની અધ્યક્ષતામાં, ખેડા એસ.ટી બસ સ્ટેન્ડ ખાતે ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં, ડાકોર ખાતે એસ.ટી બસ સ્ટેન્ડ ખાતે ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારની અધ્યક્ષતામાં, અને માતર એસ.ટી બસ સ્ટેન્ડ ખાતે ધારાસભ્ય કલ્પેશભાઈ પરમારની અધ્યક્ષતામાં સ્વચ્છતા અભિયાન અતંર્ગત સફાઈ કરવામાં આવી તથા બસમાં ડસ્ટબીન મુકીને મુસાફરોને સ્વચ્છતાના આગ્રહી બનવા માટે અપીલ કરવામાં આવી હતી.
શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અભિયાન અંતર્ગત હવે થી તમામ બસ સ્ટેન્ડ ખાતે પ્રત્યેક પ્લેટફોર્મ પર સફાઈ કામદારો નિયુક્ત કરવામાં આવશે જેઓ 24 કલાક જે તે બસ આવતાની સાથે બસમાં સફાઈકામ કરશે.
ઉપરાંત મુસાફરો પણ આ કેમ્પેઇનનો ભાગ બને અને સ્વછતા કેમ્પેઇનનો સંદેશ મહત્તમ લોકો સુધી પહોંચાડે તે માટે સોશિયલ મીડિયા પર હેશટેગ (#) શુભ યાત્રા સ્વચ્છ યાત્રા હેઠળ એસ .ટી. નિગમ દ્વારા શરૂ કરાયેલ સ્વચ્છતા કેમ્પેઇન કાર્યક્રમના પ્રચાર પ્રસારની કામગીરી કરવામાં આવશે.
સ્વચ્છતા અભિયાન અતંર્ગત એસ.ટી બસ સ્ટેન્ડ્સમાં યોજાયેલ કાર્યક્રમોમાં નગર પદાધિકારીશ્રીઓ, બસ ડેપો મેનેજરશ્રીઓ, સફાઈકર્મીઓ, એસ.ટી વિભાગનાં અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, શાળાનાં વિદ્યાર્થીઓ અને મુસાફરો પણ જોડાયા હતાં.
રીપોટૅર:સુરેશ પારેખ (કપડવંજ)