આસામમાં નાગરિકતા સુધારા કાયદાની કલમ ૬-એ મામલે સીજેઆઈ ડી. વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેન્ચે માન્યું કે આસામમાં ગેરકાયદે ઘૂસણખોરી મોટી સમસ્યા છે, જેના કારણે માત્ર ડેમોગ્રાફી જ નથી બદલાતી, સંસાધનો પર પણ વધારાનો બોજ પડે છે. કોર્ટે ગૃહ મંત્રાલયને વિવિધ પાસાં પર એફિડેવિટ દ્વારા જવાબ રજૂ કરવા જણાવી સવાલ કર્યા હતા કે ૧૯૬૬થી ૧૯૭૧ વચ્ચે સુધારેલા કાયદા હેઠળ કેટલા બાંગ્લાદેશીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી? ૨૫ માર્ચ, ૧૯૭૧ પછી કેટલા લોકો ભારતમાં આવ્યા? ભારતમાં આવવા માટેના માપદંડોમાં છૂટછાટ માટે આસામને જ શા માટે પસંદ કરાયું? પશ્ચિમ બંગાળને કેમ બાકાત રખાયું? સરહદ સુરક્ષિત કરવા શું પગલાં લેવાયાં? સરહદે કેટલા ભાગમાં તારની વાડ લગાવાઇ છે? સીજેઆઈ ચંદ્રચૂડે સવાલ કર્યો હતો કે સરકાર પાસે એવો કોઇ ડેટા છે કે બાંગ્લાદેશથી આવેલા લોકોની સંખ્યા પશ્ચિમ બંગાળ કરતાં આસામમાં વધારે હતી? આસામમાં કેટલા વિદેશી ટ્રિબ્યૂનલો છે? વિદેશી ટ્રિબ્યૂનલો સમક્ષ કેટલા કેસો પડતર છે? કેન્દ્ર સરકારે એ પણ જણાવવાનું છે કે પહેલી જાન્યુઆરી, ૧૯૬૬ પહેલાં આસામ આવેલા કેટલા બાંગ્લાદેશીઓને ભારતની નાગરિકતા મળી છે? ૨૫ માર્ચ, ૧૯૭૧ પછી કેટલા બાંગ્લાદેશીઓ આસામમાં આવ્યા? તેમને પાછા મોકલવા સરકારે અત્યાર સુધીમાં શું પગલાં લીધાં?
બીજી તરફ કેન્દ્ર સરકાર તરફથી સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે આ મામલે અમે એક-બે દિવસમાં જ એફિડેવિટ રજૂ કરી દઇશું. સુપ્રીમ કોર્ટે ગૃહ મંત્રાલયને ૧૧ ડિસેમ્બર સુધીમાં એફિડેવિટ રજૂ કરવા કહ્યું છે.