થાઈલેન્ડ, શ્રીલંકા અને મલેશિયા બાદ ઈન્ડોનેશિયા પણ ભારતીય નાગરીકોને વીઝા ફ્રી એન્ટ્રી આપવા પર વિચાર કરી રહ્યું છે. ઈન્ડોનેશિયાના પર્યટન મંત્રાલયની તરફથી જાહેર નિવેદન અનુસાર એક મહિનાની અંદર આ નિર્ણય પર મોહર લગાવવામાં આવી શકે છે. ઈન્ડોનેશિયાએ આ નિર્ણય ભારતીય પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરવા માટે લીધો છે.
ઈન્ડોનેશિયાના પર્યટન મંત્રી સેંડિયાગા યુનોએ ગુરૂવારે કહ્યું કે તેમણે સરકાર પાસેથી અમુક દેશોની યાત્રા માટે વીઝા ફ્રી એન્ટ્રી આપવા પર વિચાર કરવાના નિર્દેશ મળ્યા છે. ઈન્ડોનેશિયા પોતાના પર્યટન અને અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે અમેરિકા, ચીન, ઓસ્ટ્રેલિયા, ભારત, દક્ષિણ કોરિયા, જર્મની, બ્રિટન અને ફ્રાંસ સહિત 20 દેશોના નાગરીકોને વીઝા ફ્રી એન્ટ્રી આપવા પર વિચાર કરી રહ્યું છે.
પ્રવાસીઓને આકર્ષિત કરવાનો પ્રયત્ન
ઈન્ડોનેશિયાના ઓફિશ્યલ આંકડા અનુસાર કોવિડ મહામારી પહેલા 2019માં લગભગ એક કરોડ 60 લાખથી વધારે વિદેશી પર્યટક ઈન્ડોનેશિયા ગયા. ત્યાં જ આ વર્ષે જાન્યુઆરીથી ઓક્ટોબર સુધી લગભગ એક કરોડ વિદેશી પર્યટક ઈન્ડોનેશિયા આવ્યા. જો તેમની તુલના ગયા વર્ષના આ સમયગાળા સાથે કરવામાં આવે તો પ્રવાસીઓની સંખ્યામાં લગભગ 124 ટકાનો વધારો થયો છે.