ટાટા ગ્રુપ ગુજરાત બાદ હવે આસામમાં સેમિકન્ડક્ટર પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપશે. ટાટા ગ્રુપ દ્વારા આ પ્લાન્ટ સ્થાપવા માટે 40,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. ટાટા ગ્રુપ દ્વારા આ પ્લાન્ટ સ્થાપવા માટે એક અરજી સબમિટ કરવામાં આવી છે. આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમાએ X પર એક પોસ્ટ શેર કરીને આ પ્લાન્ટ સ્થાપવા અંગેની જાણકારી આપી છે. તેમણે ટ્વિટમાં કહ્યું હતું કે, ટાટા ગૃપનો આ સેમિકન્ડક્ટર પ્રોસેસિંગ પ્લાન્ટ આસામ માટે ગેમ ચેન્જર સાબિત થશે.
સેમિકન્ડક્ટર પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવા માટે અરજી
આસામના મુખ્યપ્રધાને ટ્વિટર પર લખ્યું હતું કે, ટાટા ગૃપે આસામમાં 40,000 કરોડ રૂપિયાના ઈન્વેસ્ટમેન્ટ સાથે સેમિકન્ડક્ટર પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવા માટે અરજી આપી છે, જે આવનારા ભવિષ્યમાં ગેમ ચેન્જર સાબિત થશે. અમારા રાજ્યમાં પરિવર્તન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિરંતર માર્ગદર્શન આપવા માટે હું તેમનો આભાર વ્યક્ત કરું છું.
માઈક્રોન ટેક્નોલોજીએ નિર્માણ માટે ટાટા પ્રોજેક્ટ્સને કોન્ટ્રાક્ટ આપ્યો
અમેરિકન કંપની માઈક્રોન ટેક્નોલોજીએ થોડા માસ પહેલા સાણંદમાં નવી એસેમ્બલી અને ટેસ્ટિંગ સુવિધાના નિર્માણ માટે ટાટા પ્રોજેક્ટ્સને કોન્ટ્રાક્ટ આપ્યો છે. માઈક્રોન ટેક્નોલોજીએ અંદાજે 22,500 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થનારા ચિપ એસેમ્બલી અને ટેસ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો. માઈક્રોન બે તબક્કામાં પ્લાન્ટ બનાવવા માટે 82.5 કરોડ ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ કરશે. આ સિવાય બાકી રહેતું રોકાણ કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.
Tata Group has submitted an application to set up a semiconductor processing plant in Assam with an investment of ₹40,000 cr.
This will be a game changer. My gratitude to the Hon’ble Prime Minister Shri @narendramodi ji for his continuous guidance in transforming our State. pic.twitter.com/ghullBk1Rg
— Himanta Biswa Sarma (@himantabiswa) December 8, 2023
સરકાર દેશને સેમિકન્ડક્ટર હબ બનાવવા માંગે છે
કેન્દ્ર સરકાર દેશને સેમીકન્ડક્ટર હબ બનાવવા માંગે છે. કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે, ભારતે સેમિકન્ડક્ટર હબ બનવા માટે તેની યાત્રા શરૂ કરી છે. સેમિકન્ડક્ટરની વધતી માગને લઈ પહોંચી વળવા ભારતને ટૂંક સમયમાં 5 લાખ કરોડ રૂપિયાની ચિપ્સની જરૂરિયાત રહેશે.