અમેરિકામાં આગામી દિવસોમાં યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયેલો છે.
રિપબ્લિકન પાર્ટી વતી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી કરવા માંગતા ઉમેદવારોમાં ડોનાલ્ડ ટ્રમ્પ 61 ટકા સમર્થન સાથે મોખરે છે. હવે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તરીકે ટ્રમ્પ જ ચૂંટણી લડશે તે નિશ્ચિત મનાઈ રહ્યુ છે.
લેટેસ્ટ સર્વેમાં ટ્રમ્પને પાર્ટીના 61 ટકા મતદારોનુ સમર્થન મળ્યુ છે અને તેમના હરિફ ઉમેદવારો ભારતીય મૂળના વિવેકા રામાસ્વામી અને નિક્કી હેલી તેમના કરતા ઘણા પાછળ રહી ગયા છે. બીજી તરફ ટ્રમ્પે ન્યૂયોર્કમાં છેતરપિંડીના એક કેસમાં જૂબાની આપવાનો પ્લાન રદ કરી નાંખ્યો છે.
રિપબ્લિકન પાર્ટીના લેટેસ્ટ સર્વે પ્રમાણે 61 ટકા રિપબ્લિકન મતદારો ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જોવા માંગે છે. જ્યારે ફ્લોરિડાના ગર્વનર રોન ડેસેન્ટિસ તથા દક્ષિણ કેરોલિનાના પૂર્વ ગર્વનર નિક્કી હેલીને 11-11 ટકા મતદારો પસંદ કરી રહ્યા છે. વિવેક રામાસ્વામીને પાંચ ટકા સમર્થન મળ્યુ છે. જ્યારે ન્યૂ જર્સીના પૂર્વ ગર્વનર ક્રિસ ક્રિસ્ટીને બે ટકા વોટ મળ્યા છે.
2024માં થનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પહેલા સ્પષ્ટ થઈ ગયુ છે કે, રિપબ્લિકન પાર્ટીના સભ્યોને ટ્રમ્પ પર લાગેલા આરોપોના કારણે કોઈ ફરક પડ્યો નથી. પાર્ટીના 25 ટકા કરતા પણ ઓછા મતદારો માને છે કે, ટ્રમ્પે 2021માં અમેરિકન સંસદ પર સમર્થકોને હુમલો કરવા માટે ઉશ્કેર્યા હતા અથવા ચૂંટણીમાં ટ્રમ્પે કોઈ છેતરપિંડી કરી હતી.
આ ઓનલાઈન સર્વે પાંચ ડિસેમ્બરથી 11 ડિસેમ્બર વચ્ચે યોજવામાં આવ્યો હતો.