મધ્યપ્રદેશમા અને છત્તસીગઢના નવા મુખ્યપ્રધાનની આજે શપથવિધી યોજાશે. ભોપાલના મોતીલાલ નેહરુ સ્ટેડિયમમાં ભાજપ સરકારની બીજી વાર શપથ ગ્રહણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મોતીલાલ નેહરુ સ્ટેડિયમમાં પહેલીવાર વર્ષ 2003માં ઉમા ભારતીની શપથવિધી યોજાઈ હતી. તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને ભાજપના વડા કુશાભાઉ ઠાકરે સહિત અનેક વરિષ્ઠ નેતાઓએ તેમા ભાગ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં યોજાનાર મુખ્યપ્રધાનના શપથ ગ્રહણ સમારોહના મુખ્ય અતિથિ હશે.
મધ્યપ્રદેશ અને છત્તીસગઢના નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં યોજાશે. ભોપાલના મોતીલાલ નેહરુ સ્ટેડિયમમાં આજે 13મી ડિસેમ્બરને બુધવારે સવારે 11:30 વાગ્યે ડૉ. મોહન યાદવ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમની સાથે રાજેન્દ્ર શુક્લા અને જગદીશ દેવરા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. છત્તીસગઢના નવનિયુક્ત મુખ્ય પ્રધાન વિષ્ણુદેવ સાંઈ અને બે નાયબ મુખ્ય પ્રધાનો અને 10 કેબિનેટ પ્રધાનો સાથે, રાયપુરના સાયન્સ કૉલેજ મેદાનમાં આજે 13મી ડિસેમ્બરને બુધવારના રોજ બપોરે 2 વાગ્યે શપથ લેશે.
ભવ્ય શપથવિધિ સમારોહ
મધ્યપ્રદેશમાં રાજ્યપાલ મંગુભાઈ પટેલ નવનિયુક્ત મુખ્યમંત્રી અને નાયબ મુખ્ય પ્રધાનને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે. નવી કેબિનેટમાં બાકી રહેલા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ હવે પછી થોડા દિવસોમાં પ્રાદેશિક અને જાતિના સમીકરણના આધારે આયોજિત કરવામાં આવશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિષ્ણુદત્ત શર્માએ શપથવિધી અંગે કહ્યું કે, શપથ ગ્રહણ સમારોહ ભવ્ય અને ઐતિહાસિક હશે. તેમણે સંગઠન મહાસચિવ હિતાનંદ અને પાર્ટીના અધિકારીઓ સાથે શપથગ્રહણ સમારોહ સ્થળ પર ચાલી રહેલી તૈયારીઓનો પણ હિસાબ લીધો હતો. બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે, ડૉ. મોહન યાદવ સાથે શુભેચ્છા મુલાકાત કરી મધ્યપ્રદેશમાં નવી સરકાર અને મુખ્યપ્રધાન બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
ઉમા ભારતી પછી બીજી વખત ભવ્ય કાર્યક્રમ
ભોપાલના મોતીલાલ નેહરુ સ્ટેડિયમમાં ભાજપ દ્વારા બીજી વખત ભાજપની રાજ્ય સરકારની શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલા મોતીલાલ નેહરુ સ્ટેડિયમમાં વર્ષ 2003માં ઉમા ભારતીએ શપથ લીધા હતા. તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, ભાજપના વડા કુશાભાઉ ઠાકરે સહિત અનેક વરિષ્ઠ નેતાઓએ આ શપથવિધી કાર્યક્રમમાં ભાગ લીધો હતો.