કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ બુધવારે સંસદમાં જણાવ્યું હતું કે માસિક ધર્મ દરમિયાન મહિલાઓને રજા મળવી જરૂરી નથી. કારણ કે માસિક ધર્મ કોઈ વિકલાંગતા નથી. રાજ્યસભામાં આરજેડીના સાંસદ મનોજ ઝાના સવાલના જવાબમાં ઈરાનીએ આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે માસિક ધર્મ મહિલાઓની જીવનયાત્રાનું સ્વાભાવિક અંગ છે.
પીરિયડ્સ દરમિયાન ઑફિસમાં લીવ મળવાથી મહિલાઓ સાથે ભેદભાવ થઈ શકે છે. સ્મૃતિ ઈરાનીએ ઉમેર્યું હતું કે મહિલાઓ સમાન અવસરથી વંચિત થાય એવા મુદ્દાઓ ઉઠાવવા જોઈએ નહીં. ઉલ્લેખનીય છે કે આરજેડી સાંસદ મનોજ ઝાએ સરકારને એવો સવાલ પૂછ્યો હતો કે માસિક ધર્મ દરમિયાન કાર્યસ્થળોએ મહિલાઓને રજા આપવા અંગે સરકાર કોઈ પગલાં ભરી રહી છે કે નહીં? સ્ત્રીરોગ નિષ્ણાંત ડૉ.સુરભી સિંઘે કહ્યું હતું કે મહિલાઓને પીરિયડ્સ દરમિયાન થતા અનુભવો અલગ-અલગ પ્રકારના હોય છે. ઘણી મહિલાઓ થોડો આરામ કરી કે દવા લઈને પોતાના કામ કરી શકે છે. જ્યારે ઘણી મહિલાઓ આ દિવસોમાં અત્યંત શારીરિક પીડા અનુભવે છે. તેથી માસિક ધર્મ મુદ્દે સમાન નીતિ બનાવવી મુશ્કેલ છે. જો કે જે મહિલાને આ દિવસોમાં રજાની જરૂર હોય તેમને વેતનકાપ વિના રજા મળવી જોઈએ.
સ્મૃતિ ઈરાનીના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઈ
પીરિયડ્સ દરમિયાન લીવ અંગે સંસદમાં કેન્દ્રીય મંત્રીના નિવેદનને પગલે સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઈ હતી. વાંચો વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર યૂઝર્સે શું વિચારો વ્યક્ત કર્યા.
- સત્તા સ્થાને હોવ ત્યારે પર્સનલ ઓપિનીયન સાઇડ પર મુકીને બધાને હિતકારી નિર્ણય લેવા પડે. કોને પેઇન થશે કોને પેઇન નહિ થાય, હું વીક ગણાઉ તો લોકો જજ કરશે? એ બધું ઠીક પણ જો મારે રજા લેવી જ પડે એમ હોય તો હું કમસે કમ સંસ્થાને મૂર્ખ બનાવીને તો નહિ લઉં.
- માસિક ધર્મના મુદ્દે કોઈ બોલવાનું પસંદ નથી કરતા ત્યારે સ્મૃતિ ઈરાનીએ આ અંગે મહિલાઓનો પક્ષ સારી રીતે રજૂ કર્યો છે. પેઇડ લીવના બદલે કાર્યસ્થળોએ સ્વચ્છ ટોઇલેટ હોય એ જરૂરી છે.
- માસિક દરમ્યાન નોકરીમાં સ્ત્રીઓને સહાનુભૂતિ પૂર્વક વ્યવસાય સ્થળે સવલતો આપી શકાય પણ વિશેષ રજા મળવી જોઈએ કે કેમ? આવી રજાથી ખાસ કરીને મહિલાઓનું પદ અને કદ ઘટી શકે છે. અને પેઇડ લીવ દરમિયાન ઑફિસમાં તેમના કામની જવાબદારી કોણ લેશે એ પણ પ્રશ્ન છે.
- પીરિયડ્સને સ્વાભાવિક રીતે લેવાની જરૂર છે. આ મુદ્દે મૌન પાળવાને બદલે ચર્ચા થાય એ જરૂરી છે.
ગ્રામીણ વિસ્તારમાં સેનેટરી પેડ્સનો વપરાશ 30% વધ્યો
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે દેશમાં છેલ્લા 3 વર્ષમાં ગ્રામીણ વિસ્તારમાં સેનેટરી પેડનો ઉપયોગ 11-12 ટકાથી વધીને 45 ટકા થઈ ગયો છે. રાષ્ટ્રીય સ્તરે પેડ્સનો વપરાશ 30 ટકાથી વધીને 55 ટકા થઈ ગયો છે.