જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશોમાં આજે સોમવારે બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જમ્મુ, શ્રીનગર, પુંછ, કિશ્તવાડ સહિત રાજ્યના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટરે જણાવ્યું હતું કે, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.5ની નોંધાઈ હતી. ભૂકંપના કારણે હાલમાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.
ભૂકંપનું કેન્દ્રબિંદુ લદ્દાખનો કારગિલ પ્રદેશ હોવાનું કહેવાય છે. બપોરે 3:48 વાગ્યે ધરતી ધ્રૂજી ઉઠી હતી. લોકોએ જણાવ્યું કે તેઓને બે વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બીજો આંચકો પહેલા કરતા ઓછી તીવ્રતાનો હતો. ઘણી જગ્યાએ લોકો, ભૂકંપના આંચકાને કારણે ઘર અને ઓફિસમાંથી બહાર દોડી આવ્યા હતા. ઘણા લોકોએ તરત જ તેમના સગાસંબંધીઓને ફોન કરીને ભૂકંપના આંચકા અનુભવયાની માહિતી શેર કરી હતી.
ભૂકંપ શા માટે થાય છે?
ભૂકંપ કેમ થાય છે. ભૂકંપ માટે જવાબદાર એવી પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ છે. જે સતત ફરતી રહેતી હોય છે. આ પ્લેટો જ્યારે એક બીજા સાથે ટકરાય છે તે ઝોનને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. વારંવાર અથડામણને કારણે પ્લેટોના ખૂણે વળાંક આવે છે. જ્યારે પ્લેટ ઉપર ખૂબ દબાણ વધે છે, ત્યારે પ્લેટો તૂટવાનું શરૂ થાય છે અને પ્લેટની નીચેની ઉર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે અને જ્યારે તે જગ્યા શોધીને બહાર નીકળે છે ત્યારે પ્લેટના હલનચલનના કારણે ભૂકંપ આવે છે.