કેન્દ્ર સરકાર દ્વારા દેશના ક્રિમિનલ કાયદાઓમાં કરવામાં આવી રહેલા મોટા સુધારાનોે વધુ એક મોટો નિર્ણય સામે આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બુધવારે લોકસભામાં જણાવવામાં આવ્યું હતું કે, ભારતીય ન્યાય સંહિતા હેઠળ જે કાયદાકીય સુધાર કરવામાં આવી રહ્યા છે તેમાં આ એક માઈલસ્ટોન બની રહેશે. નવા કાયદા મુજબ દાક્તરી સારવાર દરમિયાન દર્દીનું મોત થવાના કિસ્સામાં મેડિકલ નિગ્લિજન્સ ગણીને ડોક્ટરને દોષી ગણવામાં નહીં આવે. આ અંગે કાયદામાં સુધારો લાવવામાં આવશે અને ટૂંક જ સમયમાં તેના ઉપર કામ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, દેશભરમાં ઘણા કિસ્સા સામે આવતા હોય છે જેમાં દર્દીઓના મોત બાદ ડોક્ટરની બેદરકારી ગણીને ડોક્ટર સામે કાયદાકિય પગલાં લેવામાં આવે છે અથવા તો તેમની સાથે હિંસા કરવામાં આવે છે.
આવા કિસ્સા રોકવા માટે અને ડોક્ટરોને ગુનેગાર ઠેરવતી સ્થિતિમાંથી બહાર લાવવા માટે આ સુધારો કરવામાં આવશે. મહત્ત્વની વાત એ છે કે, આવા કિસ્સામાં અત્યાર સુધી આઈપીસીની કલમ ૩૦૪-એ હેઠળ કેસ ચલાવવામાં આવતો હતો. તેમાં ઘણી વખત ડોક્ટર્સને બે વર્ષની કેદ અથવા મોટી રકમનો દંડ કરવામાં આવતો હતો.
ઘણા કિસ્સામાં જેલ અને દંડ કરવામાં આવતા હોવાથી ડોક્ટરો ભયમાં રહેતા હતા. હવે આ સ્થિતિ સુધારવા માટે જ સુધાર ખરડો લવાયો છે.
ડોક્ટર્સને રાહત આપવાનો ઈરાદો : અમિત શાહ
અમિત શાહે લોકસભામાં કાયદા વિશે વાત કરવા દરમિયાન જણાવ્યું કે, ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા ઘણા સમયથી આ અંગે સરકાર સામે રજૂઆત કરવામાં આવી હતી. એસોસિયેશનના અધિકારીઓ અને ડોક્ટરોનું કહેવું હતું કે, મોટાભાગે એવું બનતું હોય છે કે, દર્દીના મોતના કેસમાં પરિજનો દ્વારા ડોક્ટરની બેદરકારીનું કારણ આગળ ધરી દેવામાં આવે છે. ત્યારબાદ ડોક્ટર સામે કેસ કરીને તેને પરેશાન કરવામાં આવે છે. આ અંગે નક્કર કારણ જાણ્યા વગર જ ડોક્ટરને ગુનેગારની હરોળમાં મુકી દેવામાં આવે છે. સરકારને પગલાં લેવા રજૂઆત કરાઈ હતી.
હવે સરકારે આ અંગે સુધારા ખરડો બનાવી દીધો છે જેને ટૂંક સમયમાં પારિત કરીને ડોક્ટરોને રાહત આપવામાં આવશે. બેદરકારીના કેસમાં ડોક્ટરને દોષિત ગણાવીને કાયદાકીય ચુંગાલમાં ફસાવા દેવામાં નહીં આવે.