દુનિયાના સૌથી ધનિક ને છતાં સૌથી દેવાદાર અમેરિકાના દેવાનો મુદ્દો ફરી ચર્ચામાં છે કેમ કે અમેરિકાનું દેવું ૩૪ ટ્રિલિયન ડોલરને પાર થઈ ગયું છે. અમેરિકાનું દેવું પહેલી વાર ૩૪ અબજ ડોલરને પાર થયું છે. દેવામાં થઈ રહેલા જંગી વધારાના કારણે અમેરિકામાં રાજકીય જંગની તો તૈયારી શરૂ થઈ જ ગઈ છે કેમ કે છેલ્લે ૨૦૨૩ના જૂનમાં અમેરિકાની સંસદે દેવાની મર્યાદા વધારીને ૩૫ ટ્રિલિયન ડોલર કરી હતી ત્યારે જ જો બાઈડનને દેવા પર અંકુશ માટે અલ્ટિમેટમ અપાયેલું.
બાઈડન તેમાં નિષ્ફળ ગયા છે ને સંસદે નક્કી કરેલી ૩૫ ટ્રિલિયન ડોલરની મર્યાદાને તો દેવું હમણાં આંબી જશે તેથી બાઈડને ફરી વિપક્ષ પાસે જવું પડશે કેમ કે તેમની પાસે સંસદમાં બહુમતી નથી. આ કારણે અમેરિકાના દેવાના મુદ્દે રાજકીય જંગ તો થશે જ પણ તેના કરતાં મોટો મુદ્દો અમેરિકાનું દેવું ક્યાં જઈને અટકશે એ છે. ને તેના કરતાં પણ મોટો મુદ્દો દેવું કૂદકે ને ભૂસકે વધી રહ્યું હોવા છતાં અમેરિકાનું અર્થતંત્ર તૂટી પડતું કેમ નથી એ છે.
અમેરિકાના દેવાની ચર્ચા થાય ત્યારે ત્યારે એવી આગાહી કરાય છે કે, અમેરિકાનું અર્થતંત્ર કકડભૂસ થઈને તૂટી પડશે પણ અમેરિકાના અર્થતંત્રને કશું થતું નથી. બલ્કે અમેરિકાનું અર્થતંત્ર મજબૂત ને મજબૂત થતું જાય છે. તેનું કારણ એ કે, અમેરિકામાં બહારથી આવતું રોકાણ ઘટતું નથી. દુનિયાભરના દેશોનો પૈસા અમેરિકામાં ખેંચાઈને આવે છે અને આ પ્રવાહ બંધ ના થાય ત્યાં સુધી અમેરિકાના અર્થતંત્રને કશું થવાનું નથી.
અમેરિકામાં ૨૦૨૨માં ૫.૨૫ ટ્રિલિયન અમેરિકન ડોલરનું સીધું વિદેશી રોકાણ (એફડીઆઈ) આવ્યું છે. ૨૦૨૩ના આંકડા બહાર આવ્યા નથી પણ ૫.૫૦ ટ્રિલિયન ડોલરની આસપાસ રહેવાની શક્યતા છે. ભારતની જીડીપી ૩.૮૦ ટ્રિલિયન ડોલર છે. તેના કરતાં વધારે વિદેશી રોકાણ અમેરિકામાં આવ્યું છે. વિશ્વમાં અમેરિકા અને ચીન સિવાય બીજા કોઈ દેશની જીડીપી ૫ ટ્રિલિયન ડોલર નથી જ્યારે અમેરિકામાં ૫ ટ્રિલિયન ડોલરથી વધારે રોકાણ આવે છે.
અમેરિકામાં વિદેશથી આવતા સીધા રોકાણ ઉપરાંત એજ્યુકેશન અને અન્ય બિઝનેસમાં પણ જંગી પ્રમાણમાં વિદેશી નાણાં આવે છે. અમેરિકામાં હજારો કોલેજો છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ કોઈ પણ રીતે અમેરિકા પહોંચી જવાય એ માટે એડમિશન લે છે. આ વિદ્યાર્થીઓ પાસેથી મળતી ફીના રૂપમાં અમેરિકામાં અબજો ડોલર ઠલવાય છે. આ સિવાય વિઝા ફીના રૂપમાં વિદેશનાં લોકોનાં નાણાં પણ જંગી પ્રમાણમાં ઠલવાય છે.
આજે પણ અમેરિકા દુનિયામાં સૌથી આકર્ષક દેશ ગણાય છે તેથી અમેરિકામાં વસવા માટે દુનિયાભરમાંથી લોકો અરજીઓ કરે છે. અમેરિકા ફરવા આવવા માગતાં લોકોની સંખ્યા પણ લાખોમાં છે અને અમેરિકામાં રહેતાં પોતાનાં સગાંને મળવા આવનારાં લોકોની સંખ્યા પણ બહુ મોટી છે. આ સિવાય સ્ટુડન્ટ વિઝા, બિઝનેસ વિઝા સહિતની જાત જાતની વિઝા કેટેગરીમાં લોકો અરજીઓ કરે છે. અમેરિકા દરેક અરજી પર હજારો ડોલરની ફી લે છે. કરોડોની સંખ્યામાં થતી આ અરજીઓના કારણે અમેરિકાની સરકાર લખલૂટ કમાણી કરે છે.
અમેરિકા દુનિયામાં બીજા નંબરનો સૌથી મોટો નિકાસકાર દેશ પણ છે. ૨૦૨૨માં ચીન ૩.૬ ટ્રિલિયન ડોલરની નિકાસ સાથે નંબર વન દેશ હતો જ્યારે અમેરિકાએ દુનિયાના ૨૦૦ દેશોમાં ૨.૧ ટ્રિલિયન ડોલરની નિકાસ કરી હતી. આ રકમ પણ અમેરિકાને મળ્યા કરે છે. આ સિવાય પેટન્ટથી માંડીને એન્ટરટેઈનમેન્ટ સુધીના સંખ્યાબંધ સ્ત્રોત એવા છે કે જેના કારણે વિદેશથી સતત નાણાં અમેરિકામાં આવ્યા જ કરે છે. તેના કારણે અમેરિકાના અર્થતંત્રમાં રોકડની તંગી થતી નથી.
અર્થશાસ્ત્રીઓનો એક વર્ગ માને છે કે, અમેરિકાને લાંબા ગાળે તો આ વધતા દેવાની અસર થશે જ. અમેરિકાનું દેવું સતત વધી રહ્યું છે અને દસ વર્ષમાં એટલે કે ૨૦૩૩ સુધીમાં વધીને ૫૧ ટ્રિલિયન ડોલર થઈ જશે એવી આગાહી કરાઈ રહી છે. અત્યારે અમેરિકામાં કેશ ફ્લો છે તેના કારણે અમેરિકાને તકલીફ પડતી નથી પણ ભવિષ્યમાં આ જ સ્થિતી રહે તો તકલીફ પડી શકે. આ પ્રકારની ભવિષ્યવાણીઓ પહેલાં પણ થઈ છે પણ અત્યાર સુધી અમેરિકાનું અર્થતંત્ર સાબૂત છે એ જોતાં ભવિષ્યમાં અમેરિકાના અર્થતંત્રને અસર થવા વિશે શંકા છે.
અમેરિકાના માથે જંગી દેવું છે પણ આ દેવું ક્યા પ્રકારનું છે તે પણ સમજવા જેવું છે. કોઈ પણ દેશના દેવાને ઈન્ટ્રાગવર્નમેન્ટલ અને પબ્લિક એમ બ કેટેગરીમાં વહેંચવામાં આવે છે. ઈન્ટ્રાગવર્નમેન્ટમાં સરકારના વિભાગો વચ્ચે અંદરોઅંદર જે રકમ આપવાની થાય એ દેવું કહેવાય.
અમેરિકામાં સોશિયલ સીક્યુરિટી ટ્રસ્ટ વગેરેને સરકારે જે રકમ આપવાની થાય એ ઈન્ટ્રાગવર્નમેન્ટલ ડેટ કહેવાય.
અર્થશાસ્ત્રીઓનો એક વર્ગ તેને દેવું જ નથી માનતો કેમ કે સરકારી વિભાગે આ રકમ દેશમાં અંદર જ વાપરવાની હોય છે ને નાગરિકોને આપવાની હોય છે. સરકાર પોતે વધારાની ચલણી નોટો છાપીને નાગરિકોને આપી દે તો તેની કોઈને ખબર પણ ન પડે એ જોતાં આ દેવાને ગણતરીમાં ના લેવાય. અમેરિકાના માથે લગભગ ૭ ટ્રિલિયન ડોલરનું દેવું ઈન્ટ્રાગવર્નમેન્ટલ છે તેથી તેની અમેરિકાને ચિંતા નથી.
અમેરિકાનું પબ્લિક ડેટ એટલે કે જાહેર દેવું ૨૭ ટ્રિલિયમ ડોલરની આસપાસ છે. જાહેર દેવામાં લોકો, બેંક, બીજા દેશની સરકારો, કંપનીઓ, વિમા કંપનીઓ, પેન્શન ફંડ, વિદેશી કંપનીઓ અને લોકો વગેરે પાસેથી લીધેલી ડીપોઝિટ્સ, બોન્ડ્સ વગેરે આવે છે. આ સાચું દેવું કહેવાય પણ આ દેવું એક સાથે ચૂકવવાનું નથી હોતું. મોટા ભાગના કિસ્સામાં તો વ્યાજ ચૂકવ્યા કરો તો પણ ચાલે. અમેરિકા પાસે જંગી કેશ ફ્લો છે એ જોતાં અમેરિકા માટે આ દેવું પણ માથાનો દુઃખાવો નથી.
અમેરિકાનું ભવિષ્યમાં શું થશે એ ખબર નથી પણ અત્યારે તો વધતા દેવાના કારણે અમેરિકાના અર્થતંત્ર પર કોઈ ખતરો દેખાતો નથી.
ભારતની જીડીપી કરતાં અમેરિકાની ટેક્સની આવક વધારે
અમેરિકામાં ફેડરલ ગવર્નમેન્ટ એટલે કે કેન્દ્ર સરકાર ઈન્કમટેક્સ, કોર્પોરેટ ટેક્સ, પેરોલ ટેક્સ અને એક્સાઈઝ ટેક્સ એ ચાર મુખ્ય ટેક્સ લે છે. આ સિવાય બીજા નાના નાના ટેક્સ પણ ફેડરલ ગવર્મેન્ટ લગાવે છે પણ તેનું પ્રમાણ કુલ ટેક્સમાં ૫ ટકાથી પણ ઓછું છે તેથી તેને ગણતરીમાં નથી લેવાતા. ફેડરલ ગવર્નમેન્ટની ટેક્સની આવકમાં મુખ્ય હિસ્સો ઈન્કમટેક્સનો છે. ટેક્સની કુલ આવકમાં ઈન્કમટેક્સનો હિસ્સો ૪૫ ટકાથી ૫૦ ટકાની વચ્ચે હોય છે.
અમેરિકાની સરકારને ૨૦૨૨માં ટેક્સ પેટે કુલ ૫.૦૩ ટ્રિલિયન ડોલરની આવક થઈ હતી તેમાં ઈન્કમટેક્સનો હિસ્સો ૨.૪૦ ટ્રિલિયન ડોલરની આસપાસ હતો.
ભારતની જીડીપી ૩.૮૦ ટ્રિલિયન ડોલર છે. તેના કરતાં વધારે આવક અમેરિકાને ફેડરલ ટેક્સમાંથી થાય છે. તેના પરથી જ અમેરિકાનું અર્થતંત્ર કેટલું મોટું છે તેની ખબર પડે.
બાઈડન ધનિકો-કંપનીઓ પર ટેક્સ નાંખી દેવું ઘટાડશે
અમેરિકામાં વધતા દેવાને રોકવા માટે શું કરવું એ અંગે રાજકીય રીતે આક્ષેપબાજી ચાલ્યા જ કરે છે. અમેરિકાના જાહેર દેવામાં ૨૦૨૦ પછી જંગી વધારો થયો છે. જો બાઈડનની પાર્ટી કોરોના કાળ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે લીધેલા નિર્ણયો અને એ પહેલાં ૨૦૧૭માં ટેક્સમાં કરાયેલા કાપને તેના માટે જવાબદાર માને છે. બાઈડનની પાર્ટીનું કહેવું છે કે, ૨૦૧૭માં ટ્રમ્પે ટેક્સમાં કાપ મૂક્યો તેના કારણે ધનિકો તથા મોટી કંપનીઓને ફાયદો થયેલો. ટ્રમ્પે એ વખતે ધનિકોને ૩ ટ્રિલિયન ડોલરની ખેરાત કરેલી એવું બાઈડનની પાર્ટી કહે છે.
બાઈડન ધનિકો તથા કંપનીઓ પર ટેક્સ વધારવાની તરફેણમાં છે. તેના કારણે અમેરિકાના દેવામાં ૧૦ વર્ષમાં ૨.૫ ટ્રિલિયન ડોલરનો ઘટાડો થશે એવો પણ તેમનો દાવો છે.