અંગે ખાસ્સો ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ સહિતના સંગઠનો અયોધ્યાથી આવેલા અક્ષત-કળશની પૂજાના કાર્યક્રમ દ્વારા લોકોને જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે કર્ણાટકમાં જરા જુદા ઘટનાક્રમ બની રહ્યા છે. ત્યાંની પોલીસે જાણે અયોધ્યા સાથે જુદી રીતે જોડાવાનું નક્કી કર્યું અને ત્રણ દાયકા જૂના રામજન્મભૂમિ આંદોલન સમયના એક કેસમાંશ્રીકાંત પૂજારી નામના 51 વર્ષીય વ્યક્તિની ચાર દિવસ પહેલાં ધરપકડ કરી છે. 31 વર્ષ પહેલાં રામમંદિર આંદોલન વખતે એક વિરોધ પ્રદર્શનમાં શ્રીકાંતે ભાગ લીધો હતો જેસબબ તેની ધરપકડ કરવામાં આવી હતી. કર્ણાટકની કોંગ્રેસ સરકારના ગૃહમંત્રી ડો. જી. પરમેશ્વરે તાજેતરમાં પોલીસને આદેશ કર્યો હતો કે જૂના કેસનો નિકાલ લાવો. હુબલીમાં 1992માં ઘર્ષણની ઘટના બની હતી જેના સંદર્ભમાં પૂજારીની ધરપકડ થઈ હતી. પોલીસે કહ્યું છે કે શ્રીકાંત 1992માં બાબરી ધ્વંસ પછી હુબલીમાં થયેલી હિંસામાં કેટલીક દુકાનો સળગાવવામાં સંડોવાયેલો છે. તેની સામે કુલ 16 કેસ છે. તેની સામે 1999, 2001 અને 2014માં પણ કેસ થયા છે.
જોકે ભાજપે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને આ ધરપકડના વિરોધમાં બુધવારે હુબલીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ બી.વાય. વિજયેન્દ્ર યેદીયુરપ્પાએ આ મામલે રાજ્યપાલને પણ મળ્યા હતા અને કારસેવકની ધરપકડ તથા કાયદો અને વ્યવસ્થા સંબંધિત અન્ય બાબતે માહિતી આપી હતી અને રજૂઆત કરી હતી. વિજયેન્દ્રએ કહ્યું હતું કે ‘દેશભરમાં શાંતિનો માહોલ છે ત્યારે કોંગ્રેસ આ શાંતિ નથી ઈચ્છતી અને આધાર વગર ધરપકડ કરીને કોમી તણાવ ઊભો કરવાનો પ્રયાસ કરી રહી છે. એક હિન્દુ કાર્યકરને 31 વર્ષે ધરપકડ કરવાની અત્યારે શું જરૂર પડી?’ જોકે પોલીસે કહ્યું છે કે આ કાર્યકર પર ઘણાં કેસ છે. કર્ણાટકના મુખ્યમંત્રીએ પણ કહ્યું કે કેસ થયો હોય અને વ્યક્તિ નિર્દોષ ન ઠરે ત્યાં સુધી તે આરોપી છે. જોકે અયોધ્યામાં ભવ્ય રામમંદિરમાં રામલલ્લા બિરાજમાન થઈ રહ્યા છે તેના ગણતરીના દિવસો પહેલાં આ ધરપકડ ચોક્કસ પ્રશ્નો ઊભા કરે છે.
વળી, કોંગ્રેસના કર્ણાટકના વિધાન પરિષદના સભ્ય (ML.C) બી.કે. હરિપ્રસાદે વધુ ઉશ્કેરણીજનક નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે 22 જાન્યુઆરી પહેલાં કર્ણાટકમાં ગોધરાકાંડ જેવો કાંડ થઈ શકે છે, એટલે કર્ણાટક સરકારે સતર્ક રહેવું જોઈએ. અયોધ્યા જનારા લોકો માટે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ, જેથી વધુ એક ગોધરાકાંડ ન જોવો પડે. હરિપ્રસાદે એમ પણ કહ્યું કે કેટલાક સંગઠનોના પ્રમુખ કેટલાક રાજ્યોમાં ગયા હતા અને તેમણે ત્યાં ભાજપના કેટલાક નેતાઓને ઉશ્કેર્યા પણ છે. તે લોકો આવું ષડયંત્ર રચી રહ્યા છે. આથી ગોધરાકાંડ જેવી ઘટના બનવાની પૂરી શંકા છે. તેમણે કહ્યું કે રામમંદિર પ્રતિષ્ઠા સમારંભ ધાર્મિક નહીં, રાજકીય કાર્યક્રમ છે.
આ એ જ હરિપ્રસાદ છે જેઓ એક સમયે ગુજરાતના કોંગ્રેસના પ્રભારી રહી ચૂક્યા છે. સોનિયા ગાંધીએ ગુજરાતમાં ‘મોતના સોદાગર’ શબ્દ પ્રયોગ કર્યો હતો તે સમયે હરિપ્રસાદ ગુજરાત-કોંગ્રેસના પ્રભારી હતા. કર્ણાટક ભાજપે હરિપ્રસાદની ધરપકડની માગણી કરી છે. ઠંડીના દિવસોમાં હવે આ મુદ્દે કેવી ગરમી વધે છે તે જોવાનું રહે છે.