પાકિસ્તાનમાં વર્ષોથી અલગ બલૂચિસ્તાનની માગણી સાથે બલોચ આંદોલન ચાલી રહ્યું છે. બલોચ લોકો તેમની સંસ્કૃતિ અને પરંપરા બચાવવા માટે લડત ચલાવી રહ્યાં છે. કેટલાય બલોચ નેતાઓને પાકિસ્તાનની સરકારે જેલમાં બંધ કર્યા છે ને કેટલાય નેતાઓને પાક. લશ્કરે ઠાર કર્યા છે. પરંતુ હવે એક બલોચ મહિલા નેતાએ આંદોલનને નવી ઉર્જા આપી છે તેથી પાકિસ્તાનની ઊંઘ ઉડી ગઈ છે.
મહરંગ બલોચ નામની ૩૦ વર્ષની મહિલાએ પાકિસ્તાનની સરકાર અને સૈન્યની ઊંઘ ઉડાડી દીધી છે. તેમના પિતા એક બલોચ નેતા હતા અને ૨૦૦૯માં પાકિસ્તાની સૈન્યએ તેમનું અપહરણ બાદ હત્યા કરી દીધી હતી. એ વખતે મહરંગ ટીનેજમાં હતી. એમબીબીએસની ડિગ્રી મેળવનારી મહરંગ બલોચે હવે આંદોલનમાં ઝંપલાવ્યું છે. આઝાદ બલૂચિસ્તાન માટે લડતી આ ૩૦ વર્ષની મહિલાના કારણે બલોચ આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. મહરંગ યુવાનો અને મહિલાઓમાં બેહદ લોકપ્રિય છે.
મહરંગે બલોચે ઈસ્લામાબાદ બંધનું એલાન આપવાની સાથે સાથે યુએનની ઓફિસ બહાર ધરણાનું આહ્વાન કર્યું છે. એ પછી પાકિસ્તાન સરકારે ધરણાના સ્થળે પોલીસ તૈનાત કરી દીધી છે. મહરંગે પાકિસ્તાનની સરકારને કહ્યું હતું કે અમને ડરાવવાની કોશિશ થઈ રહી છે, પરંતુ અમે નીડર થઈને લડત આપીશું. હાર માનીશું નહીં.
મહરંગે પાકિસ્તાનની સરકારને આંખે પાણી લાવી દીધું છે તેનાથી બરાબર અકળાયેલા પાકિસ્તાનના કાર્યકારી વડાપ્રધાન અનવારૂલ હક કાકરે ભારત પર આરોપ લગાવ્યા હતા. પાક.ના કાર્યકારી પીએમે આક્ષેપ મૂક્યો હતો કે ભારત બલોચ નેતાઓને ઉશ્કેરી રહ્યું છે અને આંદોલન માટે ફંડ પણ આપી રહ્યું છે. પાક. પીએમે તો બલૂચિસ્તાનને પણ બાંગ્લાદેશની જેમ અલગ કરવા ભારત પ્રયાસો કરતું હોવાનું પણ કહ્યું હતું.