દેશના વડાપ્રધાન અને એ સમયે રાજ્યના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીનું ગ્લોબલ વિઝન જેની અનુભૂતિ આજ સુધી ગુજરાત કરી રહ્યું છે. દર 2 વર્ષે યોજાતી વાયબ્રન્ટ ગુજરાત સમિટ કે જેના થકી કરોડોના એમઓયુ અને રોકાણ ગુજરાતના સર્વાંગી વિકાસને એક અલગ જ સ્તર પર લઈ જાય છે. ફાર્મા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, આરોગ્ય, સંસાધન ક્ષેત્રે ગુજરાતમાં થતું રોકાણ જેના થકી આર્થિક વિકાસનો રોડમેપ અને તેની અમલવારી ખરેખર પરિણામલક્ષી હોય છે.
2003થી રોકાણ યોગ્ય વાતાવરણ ઊભું કરવાથી લઈને 2023માં વાયબ્રન્ટ સમિટને લઈને ઉત્સાહ અને આશાવાદ બરકરાર રાખવાની આખી પ્રક્રિયા રસપ્રદ અને રોમાંચક છે. ત્યારે વર્ષ 2024ની શરૂઆત સાથે જ સફળતાની વધુ એક ગાથા લખવા ગુજરાત સજ્જ છે. વર્તમાન સરકાર આ ગ્લોબલ સમિટના 20 વર્ષના બેન્ચમાર્કને વધુ મજબૂત બનાવવા પ્રયત્નશીલ છે.
વિશ્વના નક્શામાં ગુજરાતને સ્થાન આપનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. વર્ષ 2003થી 2024 સુધી સફર અવિરત છે અને નવા આશાવાદ, નવા પરિમાણો અને વૈશ્વિક ભાગીદારીને વિકાસની પરાકાષ્ઠાએ પહોંચાડવાના ધ્યેય સાથે વર્ષ 2024નું વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું મંચ સુસજ્જ થશે.
વર્ષ 2003 ગુજરાતને રોકાણ ક્ષેત્રે પુન સ્થાપિત કરવાના ઉદ્દેશ સાથે તત્કાલ મુખ્યપ્રધાન તથા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરાવી હતી. જે 2024માં ગેટ ટુ ધ ફ્યુચર બન્યું છે. ત્યારે એક નજર કરીએ અત્યાર સુધીની વાઇબ્રન્ટ ગુજરાતની અલગ અલગ થીમ કેવી હતી.
વાયબ્રન્ટ ગુજરાતની 20 વર્ષની સફર
- વર્ષ 2003 – ગુજરાત ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન સ્થાપિત કરવું
- વર્ષ 2005 – ગુજરાત ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન સ્થાપિત કરવું
- વર્ષ 2007 – મૂડીરોકાણ માટે ગુજરાત શ્રેષ્ઠ થીમ
- વર્ષ 2009 – બહારથી રોકાણ વધારવાનો ધ્યેય
- વર્ષ 2011 – ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન તરીકે બતાવવાની થીમ
- વર્ષ 2013 – ગુજરાતને ગ્લોબલ બિઝનેસ હબ તરીકે પ્રમોટ કરાયું
- વર્ષ 2015 – ગ્લોબલ એમ્બિશનનું સ્પ્રીંગ બોર્ડ થીમ
- વર્ષ 2017 – વિશ્વ માટે ગુજરાત ભારતના પ્રવેશદ્વાર તરીકે પ્રમોટ કરાયું
- વર્ષ 2019 – ન્યૂ ઈન્ડિયાના શેપિંગ થીમ પર સમિટ
- વર્ષ 2024 – ગેટ ટુ ધ ફ્યુચર (ભવિષ્યનું પ્રવેશદ્વાર)