અમેરિકા અને કેનેડામાં ખાલિસ્તાની આતંકીઓની ભારત વિરોધી પ્રવૃત્તિઓ સતત ચાલુ રહી છે. હિન્દુ મંદિરમાં તોડફોડના બે સપ્તાહના સમયમાં હવે કેલિફોર્નિયાના હેવર્ડ ખાતે ફરી એક હિન્દુ મંદિરમાં ખાલિસ્તાનીઓએ ભારત વિરોધી સૂત્રોચ્ચાર લખ્યા છે.
અમેરિકાના કેલિફોર્નિયામાં હેવર્ડમાં હિન્દુ મંદિર પર ભારત વિરોધી સૂત્રોચ્ચાર લખવામાં આવ્યા છે. ખાલિસ્તાની સમર્થકોએ વિજયના શેરાવાલી મંદિર બહાર ભારત વિરોધી ભિંત ચિત્રો લગાવ્યા છે. આ જ ક્ષેત્રમાં શિવ દુર્ગા મંદિરમાં ચોરી પણ થઈ હતી.
હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને મંદિરમાં થયેલી તોડફોડ અંગે માહિતી આપી છે. ફાઉન્ડેશને એક્સ (ટ્વિટર) પર એક પોસ્ટમાં જણાવ્યું છે કે તેઓ મંદિરના નેતાઓ સાથે અલમ્ડા પોલીસ વિભાગ તેમજ ન્યાય વિભાગના નાગરિક અધિકાર વિભાગના સંપર્કમાં છે.
આ ઘટના અમેરિકામાં હિન્દુ મંદિરો પર વધતા હુમલા દર્શાવે છે. ભારતે આવારંવાર આ હુમલાઓની આકરી ટીકા કરી છે.
ગયા મહિને કેલિફોર્નિયામાં એક હિન્દુ મંદિરની બહારની દિવાલો પર ભારત વિરોધી અને ખાલિસ્તાન સમર્થક સૂત્રોચ્ચાર લખાયા હતા. ગયા મહિને ૨૩ ડિસેમ્બરની ઘટનામાં નેવાર્કમાં મંદિર બહાર ‘ખાલિસ્તાન’ શબ્દને અન્ય વાંધાજનક ભિંતચિત્રો સાથે સાઈનપોસ્ટ પર સ્પ્રે-પેઈન્ટ કરાયો હતો.
તાજા ઘટનામાં હિન્દુ મંદિરની બહાર સાઈન બોર્ડ પર ખાલિસ્તાન અને ભારતના વડાપ્રધાન અંગે વાંધાજનક વાતો લખવામાં આવી છે. આ પહેલા ડિસેમ્બરમાં વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકરે નેવાર્ક મંદિરમાં થયેલી તોડફોડ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે આ બાબતે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, ભારતની બહારના કટ્ટરવાદી તત્વો અને અલગતાવાદી લોકોને દેખાવો માટે જગ્યા મળવી જોઈએ નહીં.