બોમ્બે હાઈકોર્ટે થોડા દિવસ પહેલા એક નિર્ણયમાં જણાવ્યું હતું કે છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલા (divorced Muslim women)ઓ તેમના પૂર્વ પતિ પાસે બિનશરતી ભરણપોષણનો દાવો કરી શકે છે.
મુસ્લિમ મહિલાઓને ભરણપોષણ માંગવાનો અધિકાર : બોમ્બે હાઈકોર્ટ
આ નિર્ણયમાં જસ્ટિસ રાજેશ પાટીલની સિંગલ બેન્ચે કહ્યું હતું કે પ્રોટેક્શન ઓફ મુસ્લિમ વુમન રાઈટ્સ ઓન ડિવોર્સ એક્ટ (MWPA)ની કલમ 3(1)માં પુનર્લગ્નનો ઉલ્લેખ નથી, જેથી મુસ્લિમ મહિલાઓ પ્રથમ પતિ પાસેથી ભરણપોષણ માંગવાની હકદાર છે. હાઈકોર્ટે આગળ કહ્યું કે આ કાયદો મુસ્લિમ મહિલાઓની ગરીબીને રોકવા અને છૂટાછેડા બાદ પણ સામાન્ય જીવન જીવવાનો અધિકાર સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે.
હાઈકોર્ટે આ તર્ક આપ્યો હતો
બોમ્બે હાઈકોર્ટની બેન્ચે સાઉદી અરબમાં કામ કરતા ચિપલૂનના રહેવાસીની અરજીને ફગાવી દીધી હતી, જેણે ખેડની સેશન્સ કોર્ટના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે તર્ક આપતા કહ્યું હતું કે મેરિડ વિમેન્સ પ્રોપ્રટી એક્ટ (MWPA) હેઠળ છૂટાછેડા લીધેલી મહિલા તેમના પુનલગ્નની પરવાહ કર્યા વગર ભરણપોષણ મેળવવા માટે હકદાર છે. ઉલ્લેખનીય છે કે નીચલી અદાલતમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે પતિને ફક્ત એક જ વાર ભરણપોષણ ભથ્થું ચૂકવવાનો આદેશ આપ્યો હતો, જે બાદ પીડિતાએ આ નિર્ણય સામે સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી.
શું છે સમગ્ર મામલો?
ચિપલુણના રહેવાસીએ તેની પૂર્વ પત્નીને 2008ની 5મી એપ્રિલે છૂટાછેડા આપી દીધા હતા. આ દંપતીએ 2005માં લગ્ન કર્યા હતા અને બીજા વર્ષે એક પુત્રીનો જન્મ થયો હતો. મહિલાએ પોતાનાથી અલગ થઈ ગયેલા પતિ પાસેથી ભરણપોષણનો દાવો કરવા માટે MWPA કાયદાનો ઉપયોગ કરીને મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી કરી હતી જેને સ્વીકારીને કોર્ટે પતિને 4.32 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો, જો કે પતિએ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી જેમાં તેની અરજીને ફગાવી દીધી હતી અને પત્નીને 9 લાખ રૂપિયાનું ભથ્થું ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ પછી પતિએ આ નિર્ણયને હાઈકોર્ટમાં પડાકાર્યો હતો અને દલીલ કરી હતી કે તેમની પૂર્વ પત્નીએ ફરીથી લગ્ન કર્યા છે જેથી તે તેને ભરણપોષણ ચૂકવવા જવાબદાર નથી. જો કે હાઈકોર્ટે પણ કહ્યું કે મહિલા છૂટાછેડા બાદ પણ પૂર્વ પતિ પાસેથી ભરણપોષણ મેળવવા માટે હકદાર છે.