ભારતીય હવાઈદળે એક મોટી સિદ્ધિ મેળવતા પહેલીવાર રાત્રિના ગાઢ અંધકારમાં કારગિલમાં એર સ્ટ્રિપ પર C-૧૩OJ હર્ક્યુલસ વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું. હવાઈદળ માટે આ એક ઐતિહાસિક સિદ્ધિ ગણાઈ રહી છે. રાત્રિના સમયે લેન્ડિંગનો વીડિયો શૅર કરતા IAFએ જણાવ્યું કે પહેલીવાર IAF દ્વારા C-૧૩૦J વિમાનનું કારગિલમાં એર સ્ટ્રિપ પર નાઇટ લેન્ડિંગ કરવામાં આવ્યું. આ ટ્રેનિંગ દરમિયાન ટેરેન માસ્ટિંગનું કામ કરીને ગરુડ કમાન્ડો પણ તહેનાત કરાયા. ટેરેન માસ્ટિંગ એક લશ્કરી વ્યૂહરચના છે, જેનો ઉપયોગ કરીને દુશ્મનના રડારથી બચવા માટે પહાડો, જંગલો જેવા કુદરતી સ્થળોનો ઉપયોગ કરાય છે.
તેનો ઉદ્દેશ દુશ્મનથી છુપાઈને મિશનને અંજામ આપવાનો હોય છે. આ અગાઉ ગત નવેમ્બરમાં એર ફોર્સે બે C-૧૩૦J સુપર હર્ક્યુલસ સૈન્ય પરિવહન વિમાનોને ઉત્તરાખંડમાં એક અલ્પવિકસિત હવાઈ પટ્ટી પર પણ સફળતાપૂર્વક ઉતાર્યું હતું. ખરાબ હવામાનમાં નજીકની નિર્માણાદીન પહાડી સુરંગમાં
ફસાયેલા શ્રમિકોને બચાવવામાં મદદ કરવા માટે હેવી એન્જિનિયરિંગ ઉપકરણો પહોંચાડવાના મિશનના ભાગરૂપે આમ કરાયું હતું. કારગિલ ચારેય બાજુથી પર્વતોથી ઘેરાયેલું હોવાના કારણે ત્યાં લેન્ડિંગ ખૂબ જ પડકારજનક છે. શિયાળામાં ત્યાં હિમવર્ષાને કારણે લેન્ડિંગ મુશ્કેલ બની જાય છે. તેમાં પણ રાત્રિના સમયે હિમવર્ષા દરમિયાન વિમાનોએ અંધારામાં પહાડોથી બચવા ઉપરાંત માત્ર નેવિગેશન પર આધાર રાખવો પડે છે.