ભારત સરકાર એક બાજુ દેશમાં ગેરકાયદે રીતે રહેતા 40 હજારથી વધુ રોહિંગ્યા ઘૂસણખોર મુસ્લિમોને પરત તેમના દેશમાં મોકલી દેવાના પ્રયાસ કરી રહી છે ત્યારે ચોંકાવનારી વિગત સામે આવી છે. બાંગ્લાદેશની સરહદેથી ઘૂસણખોરી કરીને દર મહિને 200થી વધુ રોહિંગ્યા ભારત લાવવામાં આવી રહ્યા છે. ત્યારબાદ આ રોહિંગ્યા મુસ્લિમોને બોગસ ઓળખ આપીને દેશનાં 14 રાજ્યો આસામ, બંગાળ, ત્રિપુરા, મિઝોરમ, મેઘાલય, જમ્મુ કાશ્મીર, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત અને કેરળમાં મોકલવામાં આવી રહ્યા છે. તેમને ત્યાં વસાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. તાજેતરમાં જ એનઆઇએની ટીમે આ માનવ દાણચોરી ટોળકીના માસ્ટર માઇન્ડ જલીલ મિયાંની ધરપકડ કરી હતી.
ત્રિપુરામાં જલીલ નેટવર્ક ચલાવે છે, 10-20 લાખમાં ઘૂસણખોરી કરાવતો હતો
જલીલ મિયાં ત્રિપુરાનો રહેવાસી છે. તેના પર એનઆઇએની ટીમે એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. જલીલ એનઆઇએ દ્વારા પૂર્વમાં પકડી લેવામાં આવેલા ટોળકીના વડા જિબોન રુદ્રપાલ ઉર્ફે સુમનનો પાર્ટનર છે. જલીલના સાથી જજ મિયા અને શંતો હજુ પણ ફરાર છે. તેમની એનઆઇએ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. આ તમામ માનવ દાણચોરીના ટોળકીને ત્રિપુરાથી જ ઓપરેટ કરી રહ્યા હતા. જલીલને પહેલા પણ એનઆઇએની ટીમ આઠમી નવેમ્બર 2023ના દિવસે તેના ઘરેથી પકડી પાડવાના પ્રયાસ કરી ચૂકી છે પરંતુ તે નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આ પછી એન.આઈ.એ દ્વારા તેની ગેંગના 29 લોકોની ધરપકડ કરાઇ હતી. તપાસમાં સામે આવ્યું છે કે હાલ બાંગ્લાદેશમાં ગેંગના સભ્યો જે ભારતમાં સ્થાયી થવા માંગે છે તે રોહિંગ્યા મુસ્લિમોને 10થી 20 લાખ રૂપિયા લઇને તેમને સરહદ પાર કરાવે છે.
ભૂમિગત સુરંગોથી દરરોજ 5થી 10 રોહિંગ્યાની ભારતમાં ઘૂસણખોરી
આ ગેંગ દરરોજ બાંગ્લાદેશમાંથી 5થી 10 લોકોની ભારતમાં ઘૂસણખોરી કરાવે છે. આમાં માટે બાંગ્લાદેશની સરહદ સાથે જોડાયેલાં રાજ્યો આસામ, મિઝોરમ, મેઘાલય અને ત્રિપુરામાં રહેલી સુરંગોનો ઉપયોગ કરવામાં આવે છે. ઘૂસણખોરી મારફતે ભારતમાં આવ્યા બાદ ઘૂસણખોરીની ઓળખ બદલી નાંખવામાં આવે છે. તેમના સ્વરૂપ બદલાઇ જાય છે. તેમના પર કોઇને શંકા ન થાય તેવા પ્રયાસ કરવામાં આવે છે.
રોહિંગ્યાઓને ભારતીયોની જેમ હિન્દી બોલવાની ખાસ ટ્રેનિંગ અપાય છે
એનઆઇએના સૂત્રોએ કહ્યું 2કે માનવ દાણચોરી ટોળકીના મામલે તપાસ કરવામાં આવ્યા બાદ કેટલીક નવી વિગત મળી છે. તપાસ સંસ્થાઓને જાણવા મળ્યું છે કે રોહિંગ્યા ઘૂસણખોરોને ભારતમાં ઘૂસાડી દેવામાં આવ્યા બાદ તેમને ભારતીયોની જેમ હિન્દી બોલવાની ટ્રેનિંગ આપવામાં આવે છે. તેમની ઓળખ છુપાવવા માટે તેમને ભાષાની ટ્રેનિંગ અપાય છે. ખાસ બાબત એ પણ છે કે ઘૂસણખોરો દ્વારા જે ભાષા શીખવાડવામાં આવે છે તેના આધાર પર તેમને સંબંધિત રાજ્યમાં મોકલી દેવામાં આવે છે.