25 જૂન,1975 ભારત રાષ્ટ્ર માટે કટોકટીનો કાળો દિવસ છે. કોંગ્રેસ દ્વારા દેશમાં લોકશાહી ખતમ કરવાનું કૃત્ય થયું હતું. નાગરિક અધિકારોનું હનન કરાયું હતું. પ્રેસની આઝાદી પર સેન્સેરશીપ લાદવામાં આવી હતી.
ભારતીય જનતા પાર્ટી દ્વારા આ દિવસને કાળો દિવસ તરીકે મનાવાય છે, તેને અનુલક્ષી ખેડા જિલ્લા ભાજપ દ્વારા તા. 25મી જૂન, મંગળવારે બપોરે 3.45 કલાકે કમલમ કાર્યાલય, નડિયાદ મુકામે કટોકટીનો કાળો દિવસ મનાવાયો હતો. જે પૂર્વે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું, જેમા પૂર્વ સાંસદ ભાવનાબેન દવે, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહી મીડિયાને સંબોધન કર્યું હતું.
પૂર્વ સાંસદ ભાવનાબેન દવે એ જણાવ્યું હતું કે, 25મી જૂન 1975માં અલ્હાબાદ હાઇકોર્ટના ચુકાદાની તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ અવગણના કરી પોતે સત્તા પર ટકી રહેવા દેશ પર કટોકટી લાદી હતી. દેશની જનતાને બાનમાં લીધી હતી, વિરોધપક્ષના નેતાઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા, સમાચાર માધ્યમો પર સેન્સેરશીપ લાદી હતી. દેશનું લોકતંત્ર ખતરામાં મૂક્યું હતું. તે દિવસ કાળો દિવસ હતો. જેની યાદ દેશની જનતા હંમેશા યાદ રાખે એટલા માટે ભારતીય જનતા પાર્ટી દર વર્ષેઆ દિવસને કાળા દિવસ તરીકે મનાવે છે.
ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે કટોકટીના સમયને કોંગ્રેસના કુશાસનનો નિંદનીય સમય તરીકે લેખવ્યો હતો.
દેશની જનતા પર મિસા નો કાયદો લાદી વિરોધ કરનારને જેલમાં ધકેલી દેવાનો કારસો રચ્યો હતો.તે દિવસની સ્મૃતિ જનતામાં કાયમ રહે તે માટે ભારતીય જનતા પાર્ટી 25 જૂનને કટોકટીના કાળા દિવસ તરીકે મનાવે છે.આ કાર્યક્રમમાં મહેમદાવાદ ધારાસભ્ય, ખેડા જિલ્લા ભાજપ મહામંત્રી વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)