ગરૂડેશ્વરની એકતાનગર સ્થિત વીર ભગતસિંહ પ્રાથમિક શાળા નંબર-૧, વીર સુખદેવ શાળા નંબર-૨ અને માધ્યમિક શાળા એકતાનગર તથા શ્રી સ્વામી નારાયણ માધ્યમિક શાળાઓમાં સહભાગી થતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા.
સમગ્ર ગુજરાતની સાથે નર્મદા જિલ્લામાં પણ ત્રિ- દિવસીય પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતી ભાનુભેન બાબરિયા ગરૂડેશ્વર તાલુકાની શાળાઓમાં પહોંચ્યા હતાં. ભુલકાઓનું વિદ્યામંદિરમાં નામાંકન કરાવ્યું હતું. તેઓ એકતાનગર સ્થિત વીર ભગતસિંહ પ્રાથમિક શાળા નંબર-૧, વીર સુખદેવ શાળા નંબર-૨ અને માધ્યમિક શાળા એકતાનગર તથા સ્વામી નારાયણ માધ્યમિક શાળા ખાતેના કાર્યક્રમમાં સહભાગી થયા હતાં.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા, આઈસીડીએસ મદદનીશ નિયામક શ્રીમતી અલ્પાબેન સોલંકી, પ્રદેશ અઘ્યક્ષ શ્રીમતી રંજનબેન ગોહિલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિશાંત દવે, આઇસીડીએસ પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ક્રિષ્નાબેન પટેલ પણ વિશેષ હાજરી નોંધાવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતાં.
મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાએ જાણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩થી શાળા પ્રવેશોત્સવના શુભારંભ કરાવ્યો હતો. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવની નર્મદા જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં પણ આ વર્ષે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેનો મુખ્ય ઉદ્દેશ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે અને બાળકોની ક્ષમતામાં વધારો થાય.
વધુમાં જણાવ્યું કે, બાળકોનો ડ્રોપ આઉટ રેશિયામાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાયો છે. અને બાળકોનુ શાળામાં હવે સો ટકા નામાંકનની સિદ્ધિ હાંસલ કરવામાં આપણને સફળતા મળી છે. એક પણ બાળક પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહી જાય તેની રાજ્ય સરકારે પુરતી કાળજી લીધી છે.
નર્મદા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪ સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં ઢોલ- નગારા સાથે વાજતે-ગાજતે વિદ્યાર્થીઓને શાળાઓમાં પ્રવેશ કરાવાયો છે. આ વેળાએ મંત્રીએ જણાવ્યું કે, બાળકો ભણી- ગણીને આગળ વધે અને પોતાના સ્વપ્નને સાકાર કરે એવી શુભેચ્છા પાઠવી પ્રોત્સાહિત કર્યા હતાં.
શાળા પ્રવેશોત્સવ-કન્યાની સાથે કેળવણી મહોત્સવ અંતર્ગત દીકરીઓ પણ ભણતરમાં આગળ વધે. જેના માટે સરકાર દ્વારા સમરસ હોસ્ટેલ, સ્કોલરશીપ, સાયકલ સહિત વિદેશ શિક્ષણની સહાય જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. ત્યારે કોઈ પણ મતભેદ વગર દીકરીને ભણાવે એવો મંત્રીએ વાલીઓને અનુરોધ કર્યો હતો.
ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર સ્થિત વીર ભગતસિંહ પ્રાથમિક શાળા નંબર-૧ માં આંગણવાડીમાં કુલ ૦૬, બાલવાટિકામાં પ્રવેશપાત્ર બાળકો કુલ ૨૧ અને ધો. ૦૧ માં પ્રવેશપાત્ર બાળકો કુલ ૦૫ અને વીર સુખદેવ શાળા નંબર-૨ માં આંગણવાડીમાં કુલ ૦૬, બાલવાટિકામાં પ્રવેશપાત્ર બાળકો કુલ ૨૪ અને ધો. ૦૧ માં પ્રવેશપાત્ર બાળકો કુલ ૬૫, માધ્યમિક શાળા એકતાનગરના ધો. ૯ માં કુલ ૨૩ અને ધો. ૧૧ માં કુલ ૫૨ તેમજ શ્રી સ્વામી નારાયણ માધ્યમિક શાળામાં કોઠી-૧ આંગણવાડીના કુલ ૭ ભૂલકાઓને અને ધો. ૦૯ માં કુલ ૮૮ અને ધો. ૧૧ માં કુલ ૨૫ વિદ્યાર્થીઓનું નામાંકન કરાવાયું હતું.
મંત્રીશ્રીના હસ્તે આંગણવાડી, બાલવાટિકાનાં ભુલકાઓને શાળામાં પ્રવેશ અપાવીને શૈક્ષણિક કીટ, દફતર ભેટ સ્વરૂપે આપી હતી. જ્યારે ધો. ૦૯ અને ૧૧ નાં વિદ્યાર્થીઓને પાઠ્ય પુસ્તકો મંત્રીના હસ્તે આપવામાં આવ્યા હતા. શાળામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન સિદ્ધિ હાંસલ કરનાર અને રમત-ગમતમાં આગળ આવનાર બાળકોને સન્માનિત કર્યા હતા. મંત્રીએ શાળા વ્યવસ્થાપન સમિતિ સાથે બેઠક કરી ચર્ચા કરીને ગુણવત્તાલક્ષી શિક્ષણ, ટેકનોલોજીના માધ્યમથી મળે શાળામાં ભૌતિક સુવિધાઓ, બાળકોના અભ્યાસનું વર્ગખંડનું નિરિક્ષણ સહિતની બાબતો અંગે વિશેષ પ્રાધાન્ય આપી રચનાત્મક સૂચનો કર્યા હતા બાદમાં શાળાઓનું જાત નિરીક્ષણ કર્યું હતું.
સ્વામી નારાયણ હાઇસ્કુલના આચાર્યશ્રીએ ‘નમો લક્ષ્મી યોજના’ અને ‘નમો સરસ્વતી યોજના’ અંગે વિદ્યાર્થીઓ સહિત વાલીઓને માહિતી આપી હતી. નશા મુકત ભારત દિવસ અંતર્ગત ઉપસ્થિત સૌએ શપથ ગ્રહણ કર્યા હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે, તા, ૨૬ મી જૂનના રોજ અંદાજિત નર્મદા જિલ્લાનાં પાંચે તાલુકાઓ પૈકી નાંદોદમાં કુલ ૫૧, ગરૂડેશ્વરમાં કુલ ૪૪, તિલકવાડામાં કુલ ૩૭, દેડિયાપાડામાં કુલ ૮૧ અને સાગબારામાં કુલ ૩૯ શાળાઓમાં ભુલકાંઓ, વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ/પદાધિકારીઓના હસ્તે પ્રવેશ કરાવ્યો છે.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો દ્વારા શાળાના કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ વેળાએ જિલ્લાના અધિકારીઓ અને તાલુકા પંચાયતના પ્રમુખ-ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, શાળાના આચાર્ય-શિક્ષકગણ, આંગણવાડી કાર્યકરો, ગ્રામજનો સહિત શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.