સુપ્રીમ કોર્ટે એક્ઝિટ પોલની તપાસની માંગ કરતી અરજીને રાજનીતિથી પ્રેરિત ગણાવીને ફગાવી દીધી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે મીડિયા હાઉસ અને તેની સાથે સંકળાયેલી કંપનીઓ મતદાન પછી એક્ઝિટ પોલ બતાવીને લોકોને પ્રભાવિત કરે છે. આવી સ્થિતિમાં લોકસભાના અંતિમ તબક્કા બાદ દર્શાવેલા એક્ઝિટ પોલની તપાસ થવી જોઈએ. CJI ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે કહ્યું કે આ અરજી રાજકીય રીતે પ્રેરિત છે.
અરજીમાં શું કરાઈ હતી માગ
ખંડપીઠે કહ્યું, સરકારની રચના થઈ ગઈ છે. હવે લોકસભાની ચૂંટણીની ચર્ચા બંધ થવી જોઈએ અને વહીવટીતંત્ર પર ધ્યાન આપવું જોઈએ. ચૂંટણી પંચ આ બાબતોને સંભાળશે. અમે ચૂંટણી પંચનું સંચાલન નહીં કરીએ. તેથી પિટિશન ફગાવી દેવામાં આવે છે. આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ચૂંટણી બાદ રોકાણકારો એક્ઝિટ પોલથી પ્રભાવિત થયા અને પછી પરિણામ આવ્યા બાદ શેરબજાર તૂટ્યું અને તેમને 31 લાખ કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે મતદાન બાદ મીડિયા હાઉસે ચર્ચા શરૂ કરી અને રોકાણકારોને શેરબજારમાં નાણાં રોકવા માટે પ્રેરિત કર્યા. જેના કારણે શેરબજારમાં અણધાર્યો ઉછાળો આવ્યો હતો. આ પછી જ્યારે પરિણામ આવ્યા ત્યારે શેરબજારમાં ઝડપથી ઘટાડો થયો હતો. સામાન્ય રોકાણકારોના રૂ. 31 લાખ કરોડનું નુકસાન. આ અરજી એડવોકેટ બીએલ જૈન દ્વારા દાખલ કરવામાં આવી હતી.