ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લાના એકતાનગર એકતા ઓડિટોરિયમ ખાતે ૭મા પોષણ માહની કાર્યશાળા છોટાઉદેપુરના સાંસદશ્રીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. મંત્રી નું કાર્યક્રમના સ્થળે આગમન થતાં જ પરંપરાગત આદિવાસી ઢોલના તાલે નૃત્ય સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. નાના ભૂલકાંઓ દ્વારા મંત્રીશ્રી અને મહાનુભાવોને કુમ કુમ તિલક કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાર્યક્રમ સ્થળે વિવિધ વિભાગો દ્વારા ઊભા કરાયેલા સ્ટોલનું મંત્રી એ નિરિક્ષણ કરી પૂર્ણાશક્તિમાંથી બનાવેલી વાનગીને પણ આરોગી હતી.
૭ માં પોષણ માહ કાર્યશાળાને સંબોધન કરતા સામાજિક ન્યાય અને અધિકારીતા મહિલા અને બાળ કલ્યાણ કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી મહિલા અને બાળ કલ્યાણની ઉપસ્થિતિમાં આ દેશ વ્યાપી અભિયાન સહી પોષણ દેશ રોશનનો શુભારંભ કરવામાં આવ્યો છે જે ગૌરવ અને આનંદની વાત છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મહિલા સશક્તિકરણ થકી દેશના ભાવી નાગરિકો-બાળકોની ચિંતા કરીને કુપોષણ મુક્ત બનાવવા માટે એક જન આંદોલન ઉપાડ્યું છે અને રાજ્ય સરકાર દ્વારા પણ આ અભિયાનને વેગવાન બનાવવા માટે રાજ્યના ચાર ઝોનમાં આ કાર્યશાળા થકી મહિલા અને બાળ કલ્યાણની યોજનાઓ જન-મન સુધી પહોંચાડવામાં આવશે આજે મારા વિભાગના દ્વારા મધ્ય ગુજરાત ઝોનની કાર્યશાળા થકી આંગણવાડી બહેનો આઇ.સી.ડી.એસ વિભાગ દ્વારા પાંચ ઝુમખા સ્વરૂપે એનિમિયા, વૃધ્ધિ દેખરેખ, પુરક ખોરાક, પોષણ ભી પઢાઇ ભી કાર્યક્રમને વેગવંતો બનાવ્યો છે. તેમાં મહિલાઓની ભાગીદારી સક્રીયતા ખૂબ જરૂરી અને આવશ્યક છે. સાથે-સાથે દરેક સમાજ, સ્વૈચ્છિક સંસ્થાઓ પ્રતિષ્ઠિ નાગરિકો સહયોગ કરી સૌનો સાથ સૌના પ્રયાસથી આપણે પ્રધાનમંત્રી ના સંકલ્પને સાકાર કરીશું અને વિકસિત ભારતના સંકલ્પ ૨૦૪૭ પણ સુદ્રઢ બનાવીશું અને ગુજરાતને સુપોષિત કરીશું બાળકો આપણા દેશનું ભવિષ્ય છે. ગુજરાતમાં વર્ષ ૨૦૦૨ માં સરકાર દ્વારા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ શરૂ કરીને સ્વતંત્ર દરજ્જો આપીને આખું માળખું ગઠન કરીને માતા, બાળકીઓ, કિશોરીઓ, ભુલકાઓની ચિંતા કરીને રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે આંગણવાડીમાં ટી.એસ.આર, સંપૂર્ણ આહાર, પોષણ યુક્ત ખોરાક, દૂધ સંજીવની ધાત્રી, સગર્ભા માતાને રાશન કિટ આપીને તંદુરસ્ત બાળક જન્મે તેવી વ્યવસ્થા વિકસાવી છે તેનો સૌ લાભ લે અને ઉપયોગ કરે, આજનું બાળક આવતી કાલનું ભવિષ્ય છે. હું આંગણવાડી બહેનોને અભિનંદન આપુ છું કે, તેઓ આ મહત્વના કામમાં સક્રિય યોગદાન આપી રહ્યા છે અને સાથે-સાથે એક પેડ મા કે નામ અભિયાન હેઠળ દરેક આંગણવાડીમાં પાંચ વૃક્ષો વાવીને ૩ લાખ ૩૨ હજાર વૃક્ષ વાવ્યા છે અને રક્ષાબંધન વખતે દેશના જવાનોને રક્ષા મોકલીને એક રાખડી જવાન કે નામ કાર્યક્રમમાં ૧ લાખ ૩૦૦ જેટલી રાખડી મોકલીને પોતાનો ભાવ વ્યક્ત કરવા બદલ અભિનંદનને પાત્ર છે.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી ડૉ. દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે, ૧ થી ૩૦ સપ્ટેમ્બર સુધી ચાલનારા પોષણ માહ દરમ્યાન સુપોષિત ગુજરાત સાક્ષર ભારત સશક્ત ભારતના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્ન અને સંકલ્પને આપણે સૌ નારી શક્તિ સાથ આપીને સાકાર કરીએ તેવી અપિલ કરી હતી રામસેતુમાં ખિસકોલીએ યોગદાન આપ્યું તે રીતે સૌ સમાજના નાગરિકો, સંસ્થાઓ સહયોગ આપી સ્વસ્થ અને તંદુરસ્ત ગુજરાત બનાવી ગુજરાતની વિકાસ યાત્રાને આગળ ધપાવીએ.
આંગણવાડીમાં અપાતો પૂરક આહાર પૂર્ણાશક્તિ બાલ ભોગ અને કિશોરીઓને આપવામાં આવતી આયર્ન ગોળી અને ખોરાકનો પણ લાભ લે તેવી હું હિમાયત કરૂં છું તો ચાલો સૌના પ્રયાસ થકી કુપોષણને નાથીએ.
છોટાઉદેપુરના સાંસદ જશુભાઇ રાઠવાએ જણાવ્યું કે, ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત@2047નું વિઝન આપણને સૌને આપ્યું છે. વિકસિત ભારતની કલ્પના કરી છે ત્યારે સૌ પહેલાં વિકસિત સમાજની જરૂર હોય છે. તેથી વિકસિત સમાજના નિર્માણ ખૂબ જરૂરી અને આવશ્યક છે. માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલાઓ માટે અનેક પ્રકારની કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી તેના ઉપર વિશેષ કાર્ય આ કાર્યશાળા થકી કરી રહી છે. સરકારે આપણા બાળકોની ચિંતા કરી છે, માતાઓની પણ ચિંતા કરી યોજનાઓ લાગુ કરી છે તેને છેવાડાના માનવી સુધી પહોંચાડવાના પ્રયત્નો વહીવટી માળખા દ્વારા કર્યા છે. યોજનાઓનો લાભ માતાઓ અને બાળકોને મળી રહે તેના માટે આપણે સૌ સાથે મળીને કરીએ. યોજનાઓને લોકો સુધી લઈ જવા આપ બધા યશોદા માતાઓને જવાબદારી સોંપી છે ત્યારે ઘર ઘર સુધી યોજનાઓ પહોંચે તેમાં પોતાની સહભાગીતા ઉત્સાહભેર નોંધાવવા અપીલ કરું છું. માત્ર એટલું જ નહીં પણ તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણ માટે સૌ નાગરિકોએ ભેગા મળી કાર્ય કરવા માટે પણ સાંસદ એ આહવાન કર્યું હતું.
પોષણ માહની ઉજવણી અંતર્ગય યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન સરકાર ની વિવિધ યોજનાઓનો લાભ મેળવી રહેલા લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો પ્રસ્તુત કરતા મહાનુભાવોએ તેઓની પ્રસંશા કરી હતી. પૌષ્ટિક ખોરાક અપનાવવાના સંદેશા સાથે આંગણવાડીના નાના ભૂલકાંઓએ શાકભાજીનો પરિવેશ ધારણ કરી લીલાં શાકભાજીનો રોજીંદો વપરાશ કરવા બાળ સહજ અપીલ કરી હતી.
આ તબક્કે મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાના હસ્તે બાળકોને અપાતા અન્નપ્રાસન સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા. સાથે વિવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે કિટ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના સચિવ રાકેશ શંકર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નાયબ સચિવ શ્રીમતી કુમુદબેન યાજ્ઞિક, સંયુક્ત નિયામક શ્રીમતી અવંતિકા દરજી, પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી, ગરૂડેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી માકતાભાઈ વસાવા, આઈસીડીએસના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ક્રિષ્નાબેન પટેલ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગની વિવિધ યોજનાના નર્મદા જિલ્લાના લાભાર્થીઓ સહિત મધ્યગુજરાત ઝોનના જિલ્લાઓમાંથી આવેલા આંગણવાડી કાર્યકર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.