આ પ્રસંગે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની ૫૦ વર્ષની સુવર્ણ જયંતિ ઉજવણી નિમિત્તે કૃષિ પ્રયોગશાળાના સંશોધનોને ‘લેબ ટુ લેન્ડ’ ના સિદ્ધાંત મુજબ જમીન પર ઉતારી ખેડૂત-ઉપયોગી બનાવવા સૂચન કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે ખેડામાં ક્રોપ ડાઈવર્સીફિકેશન અને વેલ્યુ એડિશન દ્વારા પરંપરાગત ખેત પેદાશો સિવાય અલ્ટરનેટિવ પાક અપનાવીને ખેતીમાં નવો આયામ ઉભો કરી શકાશે. ખેતી સાથે સંકળાયેલા તમામ લોકોના સહિયારા પ્રયાસ દ્વારા જિલ્લાના ખેડુતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા તેમણે હાકલ કરી હતી.
કાર્યક્રમ અંતર્ગત જીવામૃતના છંટકાવ માટે ૬ સ્પ્રે પંપ, ૧ શાકભાજી સુકવણીનું મશીન અને ૧ મિની રાઈસ મીલ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ ગુજરાત વિદ્યાપીઠ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેથલી દ્વારા પ્રકાશિત ‘પ્રાકૃતિક કૃષિ- મહત્વ, મુખ્ય આયામો અને મૂંઝવણો’ નામની પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.
વધુમાં, જિલ્લા ખેતીવાડી અધિકારી દિપકભાઈ રબારી અને આણંદ કૃષિ યુનિવર્સિટીના સહ વિસ્તરણ શિક્ષણ નિયામક એસ.ડી.પટેલે પ્રાકૃતિક ખેતીના મહત્વને ઊજાગર કરતી વાત રજૂ કરી હતી. સાથે જ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ પોતાના સ્વઅનુભવો રજૂ કરી અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટેનો સંદેશો આપ્યો હતો.
આ અવસરે ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ, વસો તાલુકા પંચાયત પ્રમુખ રીંકાબેન પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી દિપકભાઈ રબારી, કૃષિ યુનિવર્સિટી વસો આચાર્યશ્રી ડો. બી.સી.પટેલ, આણંદ કૃષિ યુનિવર્સિટીના સહ વિસ્તરણ શિક્ષણ નિયામક એસ.ડી.પટેલ, મદદનીશ બાગાયત નિયામક જૈમીનભાઈ પટેલ, આગેવાન ચંદ્રેશભાઇ પટેલ, ખેડા SPNF એસોસીએશનના જિલ્લા સંયોજક તેમજ ખેડા જિલ્લાના તમામ તાલુકાના સંયોજક તેમજ સહસંયોજક અને દેથલી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડો. પી.કે. શર્મા સહિત ૩૭૮ જેટલા ખેડૂત ભાઈ બહેનો હાજર રહ્યા હતા.