રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા વ્યાજના દરોમાં ઘટાડો કરે તેવી શક્યતાઓ જોવા મળી છે. દેશના જીડીપી ગ્રોથમાં સ્થિરતાને ધ્યાનમાં લેતાં મોનેટરી પોલિસીની ઑક્ટોબરમાં યોજાનારી બેઠકમાં વ્યાજના દરોમાં ઘટાડો થાય તેવી સંભાવના રેટિંગ એજન્સી એસએન્ડપી ગ્લોબલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
નવ બેઠકમાં વ્યાજના દર યથાવત્
એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે જીડીપી ગ્રોથ અંદાજ 6.8 ટકા પર જાળવી રાખ્યું છે. આરબીઆઇની એમપીસી બેઠક 7-9 ઑક્ટોબરે યોજાશે, જેમાં તે વ્યાજના દરો ઘટાડવા મુદ્દે નિર્ણય લઈ શકે છે. લગભગ દોઢ વર્ષ પહેલાં રેપો રેટ વધારી 6.5 ટકા નિર્ધારિત કર્યા બાદ છેલ્લી નવ બેઠકમાં વ્યાજના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. આરબીઆઇ એમપીસીએ ફેબ્રુઆરી, 2023થી દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી.
અમેરિકાની અર્થવ્યવસ્થામાં સુધારાના આશાવાદ સાથે અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં 0.5 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ફેડના ડોવિશ વલણને પગલે આરબીઆઇ પણ નરમ વલણ અપનાવી વ્યાજના દરો ઘટાડે તેવી શક્યતાઓ વધી છે.
જીડીપી ગ્રોથ 6.9 ટકા રહેશે
એશિયા-પેસિફિક માટે નવા ઈકોનોમિક આઉટલૂકમાં, એસએન્ડપીએ નાણાકીય વર્ષ 2025-26માં જીડીપી ગ્રોથ અંદાજ 6.9 ટકા પર જાળવી રાખ્યો છે. ભારતમાં જૂન ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ નબળો પડવાનું કારણ ઊંચા વ્યાજ દરના કારણે શહેરી માગમાં ઘટાડો હતો. નાણાકીય વર્ષ 2023-24માં જીડીપી ગ્રોથ 8.2 ટકા પર પહોંચ્યો હતો.
મોંઘવારીને 4 ટકાના સ્તરે જાળવવી અશક્ય
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025-26માં રાજકોષીય ખાધ જીડીપીના 4.5 ટકાથી નીચે ઘટાડવાનો લક્ષ્યાંક મૂક્યો છે. બીજી તરફ મોંઘવારીને 4 ટકાના સ્તરે જાળવી રાખવી અશક્ય છે. આબોહવા પરિવર્તન સંબંધિત પડકારોના કારણે મોંઘવારી 4.5 ટકાના સરેરાશ દરે રહેવાનો અંદાજ છે.