બારડોલીના કુખ્યાત ખાટકી ઇમરાન હુસેન સૈયદ અને તેની પત્ની નીલોફર વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળ્યો હતો. જેને લઈ ફિટકારની લાગણી સાથે હિન્દુ સંગઠનો દ્વારા બારડોલી પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર અપાયું.
ગત. તારીખ ૨૨મી એ મહુવા પોલીસ દ્વારા ઝડપાયેલા ગૌ માસની હેરાફેરીના ગુનામાં અટકાયતમાં લેવાયેલા બારડોલીના કુખ્યાત ખાટકી ઇમરાન હુસેન સૈયદ અને તેની પત્ની નીલોફર વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળ્યો હતો. જેને લઈ ફિટકારની લાગણી સાથે હિન્દુ સંગઠનો દ્વારા બારડોલી પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર અપાયું હતું. ગૌવંશની કતલ અને ગૌ માસની હેરાફેરીના આરોપીને ગુજસીટોક અને પાસા હેઠળ કડક સજા કરવામાં આવે મુજબની માંગણી પણ કરાઈ હતી. બારડોલીના તલાવડી વિસ્તારમાં સરકારી જમીન ઉપર રહેતા ખાટકી ઇમરાનના રહેઠાણ ઉપર બુલડોઝર ફેરવવાની માંગ પણ કરવામાં આવી હતી.
આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ , બજરંગ દળ , ગૌરક્ષા અને પર્યાવરણ સંદેશ ચેરીટેબલ ટ્રસ્ટ , સ્વામી વિવેકાનંદ યુવક સંઘ , જીવ દયા ટ્રસ્ટ સુરત , અગ્નિવીર હિન્દુ સંગઠન તથા મોટી સંખ્યામાં ઉમટેલા ગૌરક્ષકો જય પટેલ, હરીશ સુરતી, સાજન ભરવાડ, ગબરુ ભરવાડ, જગદીશ ભરવાડ, જયેશ મચ્છર તથા સનાતન ધર્મ સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણા વગેરેની ઉપસ્થિતિમાં ગુજરાતના રાજ્યપાલ, મુખ્યમંત્રી તથા ગ્રહ મંત્રીને ઉદ્દેશતુ એક આવેદનપત્ર બારડોલી પ્રાંત ડેપ્યુટી કલેક્ટર કચેરી મુકામે સુપ્રત કરવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ખાટકી ઇમરાન સૈયદ ગૌવંશની કતલ અને ગૌ માસની હેરાફેરી સહિત વિવિધ અનેક પ્રકારના ગુનાઓમાં બારડોલી, મહુવા, વાલોડ, ચીખલી, પલસાણા તથા કામરેજ પોલીસ મથકોમાં નોંધાયેલો ગુનેગાર અને માથાભારે હોવાનાં કારણે તેની વિરુદ્ધ ગુજસીટોકના કાયદા હેઠળ કડક સજા ફરમાવી તેને તડીપાર કરાય અને તેની વિરુદ્ધ પાસા હેઠળ કાર્યાવહી કરવા મુજબની માંગ કરાઈ હતી.
વધુમાં ઉપસ્થિત લોકોએ બારડોલીના તલાવડી વિસ્તારમાં સર્વે નંબર ૯૪ ઉપરની સરકારી જમીન ઉપર રહેતા તેના નિવાસસ્થાન ઉપર બુલડોઝર ફેરવી જમીન દોસ્ત કરાય તે પ્રકારની પણ માંગણી કરાઈ હતી. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જો કડક કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં સંગઠનો રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરશે મુજબની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.