વડાપ્રધાન અને ગુજરાત રાજયના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ, ગુજરાત રાજયના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની શરૂઆત કરી હતી. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વર્ષ-૨૦૦૧ થી વર્ષ-૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં રાજ્યના સૌ નાગરિકોને જોડી તા. ૦૭ થી તા.૧૫ ઓકટોબર-૨૦૨૪ દરમિયાન “વિકાસ સપ્તાહ” ઉજવણીનું આયોજન સમગ્ર રાજ્યભરમાં કરવામાં આવ્યું છે.
વિકાસ સપ્તાહની જિલ્લા કક્ષાની પ્રથમ ઉજવણી કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાનના પ્રયત્નોથી છેલ્લા ૨૩ વર્ષમાં સમગ્ર ગુજરાત અને ભારતે વિકસિત રાષ્ટ્ર તરફ મીટ માંડી છે. ગુજરાત આજે વિકાસનું રોલ મોડલ બન્યું છે. વિશ્વની અગ્રણી ૫૦૦ કંપનીઓ પૈકી ૧૦૦ કંપનીઓ ગુજરાતમાં કાર્યરત થઈ છે. આજે ગુજરાતમાં રોજગારી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટાર્ટ અપ, આરોગ્ય, શિક્ષણ, આવાસ સહિતની વિવિધ યોજનાઓ થકી છેવાડાના લોકોનો સર્વાંગી વિકાસ થયો છે.
દેશના અગ્રગણ્ય ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન થતા મહાનુભાવો દ્વારા ખાસ મૌન રાખી શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ હતી.
આ સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંગ વસાવા, સાંસદ પરભુભાઈ વસાવા, ધારાસભ્ય ડો. જયરામભાઇ ગામીત, ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા , કલેકટર ડો.વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહ, ડીસીએફ પુનિત નૈયર, પ્રાયોજના અધિકારી રામનિવાસ બુગાલિયા તેમજ પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ જિલ્લાના નાગરિકો જોડાયા હતા.