ચિત્રકૂટધામ તલગાજરડામાં સંતવાણી ભજનિકો અને વાદ્યકારોને સંતવાણી સન્માન અર્પણ સમારોહ યોજાયો. આ પ્રસંગે મોરારિબાપુએ ગંગાસતીનાં ભજન સ્મરણ સાથે ભજનને આહારનાં વિવિધ સ્વરૂપમાં નિરૂપણ કર્યું.
મોરારિબાપુ દ્વારા પ્રભુદાસબાપુની તિથિ પ્રસંગે ચિત્રફૂટધામ તલગાજરડામાં ગુજરાતનાં સંતવાણી ભજનિકો અને વાદ્યકારોને સંતવાણી સન્માન અર્પણ કરવામાં આવ્યાં. મોરારિબાપુ દ્વારા સંતવાણી સર્જક વંદનામાં ભક્ત કવિ ધીરા ભગત માટે પ્રતિનિધિ નારાયણભાઈ રબારીને સન્માન અર્પણ થયું. ભજનિક રામદાસ ગોંડલિયા, તબલાવાદક ભૂપતભાઈ પેંટર, બેન્જોવાદક ચંદુભાઈ ડાભી અને મંજીરાવાદક વિજયકુમાર ગોંસાઈ સન્માનિત થયાં.
સંતવાણી સન્માન પ્રસંગે મોરારિબાપુએ પ્રાસંગિક ઉદબોધનમાં ગંગાસતીનાં ભજન સ્મરણ સાથે ભજનને આહારનાં વિવિધ સ્વરૂપમાં નિરૂપણ કર્યું અને ભજનને રોટલો એટલે અન્નદાન, શાક એટલે શાખ, દૂધ એટલે ધર્મ, પાપડ એટલે પગમાં પડવું, મરચું એટલે મર્મ સમજવો, ખીચડી એટલે શુકનવંત મગ ચોખા, ઘી એટલે ભજનાનંદ અને કઢી એટલે વિસરાતા તત્વોનું મિશ્રણ… આમ , ભજન આપણો આહાર છે. ભજન માટે જીભ પર સરસ્વતી નહિ પણ સીતાજી હોવાનું અને સતત અગ્નિ પરીક્ષા થતી હોવાનું ભારપૂર્વક જણાવ્યું.
સમગ્ર આયોજન અને પસંદગી પ્રક્રિયા સંદર્ભે કાર્યક્રમ સંચાલક હરિશ્ચંદ્રભાઈ જોષીએ વિગતો આપી હતી. આ પ્રસંગે ભજનિક કલાકારો દ્વારા સંતવાણી સંગત માણવા મળી હતી.