બનાસકાંઠા જિલ્લાના દિયોદરના વખા સ્થિત જી.વી.વાઘેલા કોલેજ કેમ્પસ ખાતે જિલ્લા કક્ષાના ૫૫માં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો શુભારંભ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયો હતો. તા.૧૩ થી ૧૫ ડિસેમ્બર દરમિયાન યોજાનારા આ વિજ્ઞાન પ્રદર્શનમાં જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાનને લગતી વિવિધ કૃતિઓ રજૂ કરાઈ છે.
પ્રદર્શનના શુભારંભ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, દેશના વિકાસ અને નવીન ટેકનોલોજી માટે દેશના વૈજ્ઞાનિકોનો ફાળો મહત્વનો રહ્યો છે. કોઈપણ નવી શોધ માટે વર્ષોની મહેનત લાગે છે અને આપણા વૈજ્ઞાનિકોએ વિવિધ શોધો થકી વિશ્વભરમાં ભારતનું નામ રોશન કર્યું છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓએ અવલોકન,પ્રવૃત્તિ,જિજ્ઞાસા, પ્રયોગો અને સિદ્ધાંતો થકી વિજ્ઞાન જગતમાં આગળ વધી શકે છે. જેમ કે, હવામાંથી પાણી કેવી રીતે બનાવવું? વીજળીને સંગ્રહ કેવી રીતે કરી શકાય? વિવિધ પાકો અને શાકભાજી તેની ઋતુ સિવાય પણ કેવી રીતે યોગ્ય તાપમાને મેળવી શકાય? દૂધમાંથી વિવિધ પ્રોડક્ટ કેવી રીતે બનાવવી? આ બધું જ વિજ્ઞાનના કારણે આજે શક્ય બન્યું છે.
અધ્યક્ષે જણાવ્યું હતું કે આગામી ૧૦ વર્ષમાં સમુદ્રના સી ફૂડ સિવાય વનસ્પતિ થકી સુપર ફુડ બનશે જે સંપૂર્ણ શાકાહારી હશે અને અઢળક ન્યુટ્રિશિયન ધરાવતું હશે. નવીન પેઢી પાસે અવલોકન અને ગ્રહણ કરવાની શક્તિ વધુ હોય છે. અધ્યક્ષે વિદ્યાર્થીઓને વિજ્ઞાનને લગતા વિવિધ પ્રશ્નો પૂછીને આગામી ભવિષ્ય માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વાલીઓને પણ સૂચન કર્યુ હતું કે, વિદ્યાર્થીઓને રુચિ અનુસાર વિજ્ઞાન સહિતના વિષયોમાં કેરિયર બનાવવા તરફ આગળ વધવા જણાવ્યું હતું.
અહીં નોંધનિય છે કે, આ જિલ્લા કક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચાર અને નવીનતાને પ્રોત્સાહન મળી રહેશે. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક પ્રોજેક્ટ્સ, મોડેલ્સ અને પ્રયોગો પ્રદર્શિત કર્યા હતા.
આ પ્રસંગે દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ, પાટણ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, બનાસ બેંકના ચેરમેન ડાહ્યાભાઈ પિલિયાતર, જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશ પટેલ, પ્રાથમિક શિક્ષણ અધિકારી વિનુ પટેલ સહિત વિવિધ શાળાઓના આચાર્યઓ, વિદ્યાર્થીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.