ઇનરેકા સંસ્થાન દ્વારા સંચાલિત વંદના નર્સિંગ એન્ડ પેરા મેડીકલ કોલેજનું મંત્રી તથા ભરૂચના સાંસદશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લોકાર્પણ
ઈનરેકા સંસ્થાનના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કર્યા : વર્ષ દરમિયાન વિવિઘ ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર વિધાર્થીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા
ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં ઇનરેકા સંસ્થાન ટિંબાપાડા(દેડિયાપાડા)નો ૪૧મો વાર્ષિક કાર્યક્રમ શાળા કેમ્પસમાં યોજાયો હતો. તેઓ ની સાથે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ દેડિયાપાડાની ભૂમિ પરથી કન્યા કેળવણી મહોત્સવના માધ્યમથી શિક્ષણ યજ્ઞની જ્યોત પ્રગટાવી હતી. જેના પરિણામો આજે આપણે પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ. આધુનિક ટેકનલોજીના યુગમાં શિક્ષણ ક્ષેત્રે અનેકવિધ પરિવર્તનો આવ્યાં છે. તેના પરિણામે દેશમાં ઘણાં લાંબા સમય પછી નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ની આપણને ભેટ મળી છે. આ નવી શિક્ષણ નીતિમાં મનુષ્ય ઘડતરના ૯ મૂલ્યોને સામેલ કરવામાં આવ્યા છે. જેનો ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્ત્વમાં રાજ્ય સરકાર તબક્કાવાર અમલવારી કરી રહી છે.
વધુમાં મંત્રી એ ઉમેર્યું કે, શિક્ષણ એ રાષ્ટ્રની પ્રગતિ માટેની સૌથી મોટી સંપત્તિ છે, અને એટલે જ આદિવાસી સમાજના બાળકોને મુખ્ય ધારામાં લાવવા માટે સરકાર સાથે વિવિધ સ્વૈચ્છિક શૈક્ષણિક સંસ્થાઓ પણ પોતાનું બહુમૂલ્ય યોગદાન આપી રહી છે. આદિવાસીના અધિકારોમાં ખૂટતી કડી પૂરવા માટે પણ સરકાર સતત પ્રયત્નશીલ છે, ત્યારે આપણી આદિજાતિ સંસ્કૃતિના જતન સાથે આદિવાસી સમાજના બાળકોને “હાથમાં ભોરિયા, અને કાનમાં બાલિયા”થી એક કદમ આગળ વધી ઉચ્ચ શિક્ષણના માધ્યમથી “હાથમાં કલમ, અને કાનમાં સ્ટેથોસ્કોપ”ની દિશામાં પ્રગતિશીલ બની પોતાના પરિવાર, સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદાર બની વડાપ્રધાન ના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા સૌને આહવાન કર્યું હતું.
આ વેળાંએ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે, નર્મદા જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે આવેલા પરિવર્તન થકી આજે જિલ્લો વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આપણા જિલ્લાને મોટી ભેટ મળી છે, જેના કારણે જિલ્લાઓ પ્રવાસન ક્ષેત્રે વિશ્વમાં નામના મેળવી છે અને તેના થકી સ્થાનિક આદિવાસી સમાજના યુવક-યુવતીઓને ઘર આંગણે રોજગારી માટેની નવી તકો ઊભી થઈ. જિલ્લામાં પ્રાથમિક શાળાથી લઈને ઈજનેરી, મેડિકલ કોલેજ, તમામ તાલુકા મથકે વિજ્ઞાન અને વિનયન શાળા-કોલેજો, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી જેવી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. આવી સંસ્થાઓમાં અભ્યાસ પૂર્ણ કરી વિદ્યાર્થીઓ બહાર પડી તરત જ રોજગારી મેળવતા થાય તે દિશામાં નક્કર કાર્ય કરવા માટે અને વડાપ્રધાનશ્રીના “હર હાથ કો કામ”ના મંત્રને સિદ્ધ કરવા શૈક્ષણિક સંસ્થાઓ સાથે બાળકોના વાલીઓને પણ જાગૃત બની સહભાગી થવા અપીલ કરી હતી.
ઇનરેકા સંસ્થાન દ્વારા સંચાલિત વંદના નર્સિંગ એન્ડ પેરા મેડીકલ કોલેજનું મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, સંસ્થાના સંચાલકો અને મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાદમાં આ કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની શપથ વિધિ યોજાઈ હતી.
સંસ્થાના ૪૧મા વાર્ષિક મહોત્સવમાં ઈનરેકા સંસ્થાન દ્વારા સંચાલિત વિવિધ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરી ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતા. બાદમાં વર્ષ દરમિયાન શાળામાં વિવિઘ ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર વિધાર્થીઓને, નર્મદા જિલ્લામાં CSR એક્ટિવિટી અંતર્ગત ગામમાં વિકાસકાર્યોને પ્રાધાન્ય આપનાર કર્મશીલોને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતા.
આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી મોતીભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લા પંચાયતના સભ્યો સર્વશ્રી ખાનસિંગભાઈ વસાવા, સોમાભાઈ વસાવા અને શ્રીમતી નીતાબેન વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકરભાઈ વસાવા, ઈનરેકા સંસ્થાનના સંસ્થાપકશ્રી ડો. વિનોદભાઈ કૌશિક, શ્રીમતી માયારાણી કૌશિક, નાયબ કલેક્ટર પ્રોટોકોલ એન.એફ.વસાવા, પ્રાંત અધિકારીશ્રી ધવલ સંગાડા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિશાંતભાઈ દવે, દેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ વસાવા, અગ્રણી અર્જુનભાઈ ચૌધરી, શાળા સંચાલક મંડળના પ્રમુખ મહેશભાઈ પટેલ, જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ નિલેશભાઈ વસાવા સહિત સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અગ્રણીઓ, શાળાના શિક્ષકો-વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.