નડિયાદ શ્રી સંતરામ મંદીરના ૧૯૪માં સમાધિ મહોત્સવની ઉજવણીમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સહભાગી બન્યા હતા. આ વેળાએ તેમણે શ્રી સંતરામ સમાધિ સ્થળના દિવ્ય અખંડ જ્યોતિના દર્શન કરી બ્લડ ડોનેશન કેમ્પમાં વિશેષ હાજરી આપી હતી.
શ્રી સંતરામ સમાધિસ્થાન દ્વારા શ્રી સંતરામ મહારાજના ૧૯૪મા સમાધિ મહોત્સવ પ્રસંગે તથા બ્રહ્મલીન મહંત શ્રી નારાયણદાસજી મહારાજને સમાધિના ૨૦ વર્ષ પૂર્ણ થયાના અવસરે થેલેસેમિયાથી પીડાતા બાળકો માટે નડિયાદ પોલીસ સ્ટેશન તથા રેડક્રોસ સોસાયટીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન તા. ૬, ૭ અને ૮ ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું છે.. જેનો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તથા સંતરામ મંદિરના ગાદીપતિ પૂ.રામદાસજી મહારાજ સહીત અન્ય મહાનુભાવોના હસ્તે દિપપ્રાગટ્ય કરીને શુભારંભ કરાવ્યો હતો. કથાકાર પૂજ્ય મોરારી બાપુની શુભેચ્છા મુલાકાત પણ લીધી હતી.
આ પ્રસંગે નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ, કથાકાર પૂ. જીગ્નેશ દાદા, પૂ. ચૈતન્ય દાસ મહારાજ, પૂ. નિર્ગુણ દાસજી મહારાજ, અગ્રણી અજયભાઈ બ્રહ્મભટ્ટ સહીત મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.