ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકાઓમાં 27 મહિનાના વહીવટદારના શાસન બાદ આજે નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં ભારતીય જનતા પક્ષની દરેક નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી હોવાના પરિણામે પ્રમુખ અને ઉપપ્રમુખપદે સૌ બિનહરીફ ચૂંટાયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, મહેમદાવાદ નગરપાલિકામાં નવયુવાન અને પ્રથમવાર એક પટેલ ઉમેદવાર પ્રશાંતભાઈ વિનુભાઈ પટેલ (વોર્ડ નંબર 7 )ની,જ્યારે ઉપપ્રમુખ પદે વર્ષાબેન વાઘેલા( વોર્ડ નં.6) તથા કારોબારી ચેરમેનપદે (વોર્ડ નંબર 5) ના રાકેશભાઈ કનુભાઈ સોઢા પરમારની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આ જ પ્રકારે ડાકોર નગરપાલિકામાં સક્ષમ અને સરળ વ્યક્તિત્વ ધરાવતા વિપુલભાઈ શાહની પ્રમુખપદે તથા તેજેન્દ્રસિંહ હાડાની ઉપપ્રમુખ પદે અને દીપિકાબેન શર્માની કારોબારી ચેરમેન પદે વરણી કરવામાં આવી હતી.
આ પ્રકારે મહુધા નગરપાલિકામાં સર્વપ્રિય રૂપેશભાઈ રાઠોડની પ્રમુખ પદે તથા મહંમદ અશફાક મલિકની ઉપપ્રમુખ પદે તથા રેવાબેન સોઢા પરમારની કારોબારીના ચેરમેનની વરણી કરાઈ હતી. આ સાથે ખેડા નગરપાલિકામાં પણ યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખપદે જ્યોત્સનાબેન પટેલની, ઉપપ્રમુખે અક્ષયકુમાર ભાવસાર અને કારોબારીના ચેરમેન પદે અંકિતભાઈ પટેલની વરણી થઈ હતી.
આ સાથે ચકલાસીમાં પ્રમુખ પદે ધર્મેશભાઈ વાઘેલા ઉપપ્રમુખ પદે અમિતભાઈ પટેલ અને કારોબારી ચેરમેન પદે જીગરભાઈ વાઘેલાની વરણી કરાઈ હતી.જેના પરિણામે ભારતીય જનતા પક્ષના કાર્યક્રમમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી.