વિશ્વના સૌથી વયોવૃદ્ધ મેરથોન રનર તરીકે જાણીતા ફૌજા સિંઘનું 114 વર્ષની વયે એક દુઃખદ માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે. મળતી માહિતી મુજબ, ફૌજા સિંઘ પોતાના ઘરની બહાર નિયમિત ચાલવા નીકળ્યા હતા ત્યારે અચાનક એક વાહનણે તેમને ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું. ફૌજા સિંઘનો આ અચાનક વિદાય સમગ્ર ખેલજગત અને ફિટનેસ પ્રેમીઓ માટે આઘાતરૂપ બન્યો છે.
ફૌજા સિંઘ, જેમણે 89 વર્ષની ઉંમરે પોતાની પહેલી મેરથોન દોડી હતી, તેઓ પછીથી અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મેરથોનમાં ભાગ લઈને અનોખું સ્થાન ધરાવતાં રહ્યા હતા. બાળપણમાં તેઓ ચાલવામાં અસમર્થ હતા, પણ વૃદ્ધાવસ્થામાં તેમણે જે દૃઢ નિશ્ચય અને ફિટનેસ દર્શાવ્યું તે આજે પણ દુનિયા માટે પ્રેરણારૂપ છે. 2012ના ઓલિમ્પિક ગેમ્સના ઉદ્ઘાટન સમારંભમાં તેઓ ઓલિમ્પિક ટોર્ચ લઈને દોડ્યા હતા અને 2015માં તેમને બ્રિટિશ એમ્પાયર મેડલ (BEM)થી પણ નવાજવામાં આવ્યા હતા.
તેમણે ટર્બન્ડ ટોર્નેડો, રનિંગ બાબા અને શીખ સુપરમેન જેવા ઉપનામોથી પણ ઓળખ પ્રાપ્ત કરી હતી. તેમના જીવન પર “Turbaned Tornado” નામનું પુસ્તક લખાયું છે, જે તેમના અસાધારણ જીવન અને યાત્રાને ઉજાગર કરે છે.
ફૌજા સિંઘના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે X (પૂર્વે ટ્વિટર) પર લખ્યું, “ફૌજા સિંઘજી એક અસાધારણ વ્યક્તિ હતા. ફિટનેસ અને દૃઢતાના પ્રતિક તરીકે તેઓ યુવાનો માટે અનંત પ્રેરણા હતા. તેમના નિધનથી ઊંંડું દુઃખ થયું છે. મારા વિચારો તેમના પરિવાર અને વિશ્વભરના તેમના અનગિણત ચાહકો સાથે છે.”
Fauja Singh Ji was extraordinary because of his unique persona and the manner in which he inspired the youth of India on a very important topic of fitness. He was an exceptional athlete with incredible determination. Pained by his passing away. My thoughts are with his family and…
— Narendra Modi (@narendramodi) July 15, 2025
ફૌજા સિંઘનું જીવન એ દર્શાવે છે કે ઉમર માત્ર એક સંખ્યા છે અને યોગ્ય દૃઢ નિશ્ચય અને શારીરિક-માનસિક તાકાત હોય તો કોઈ પણ અવસ્થામાં અભૂતપૂર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકાય છે. તેમનું જીવન અને વારસો હંમેશાં એક પ્રેરણા તરીકે જીવંત રહેશે.