બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં જ કોંગ્રેસના કેરળ યુનિટની એક સોશિયલ મીડિયા પોસ્ટે ભારે વિવાદ ઉભો કર્યો છે. પોસ્ટમાં તાજેતરમાં મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા GST સુધારા અંગે કટાક્ષ કરતા લખાયું હતું કે “બીડી અને બિહાર બંને Bથી શરૂ થાય છે. હવે તેને પાપ ગણી શકાય તેમ નથી.” આ પોસ્ટમાં તમાકુ ઉત્પાદનો પર લાગતા હાલના અને પ્રસ્તાવિત GST દરોનો ઉલ્લેખ પણ હતો, પરંતુ “બીડી” અને “બિહાર” વચ્ચેની તુલનાએ વિવાદને જન્મ આપ્યો. બિહારીઓના અપમાનરૂપ આ ટિપ્પણી સામે સોશિયલ મીડિયામાં ભારે વિરોધ શરૂ થયો. ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ આ પોસ્ટને શેર કરીને લખ્યું કે કોંગ્રેસે બિહારના લોકોનું ઘોર અપમાન કર્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ વારંવાર બિહારીઓને અપમાનિત કરતી આવી છે અને આ વખતે પણ તેમની માનહાનિ કરવામાં આવી છે. તેમણે વધુમાં આરોપ મૂક્યો કે કોંગ્રેસ અને આરજેડી બંને બિહાર વિરોધી છે.
વિરોધ વધતાં કોંગ્રેસે આ પોસ્ટ ડિલીટ કરી દીધી, પરંતુ પોતાના ભૂતકાળના સ્વભાવ મુજબ કોઈ સ્પષ્ટતા કે માફી જાહેર કરી નથી. જેના કારણે હવે પોસ્ટના સ્ક્રીનશૉટ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને કોંગ્રેસની ભારે ટીકા થઈ રહી છે. ભાજપે આ ઘટનાને લઈને કોંગ્રેસ પર સવાલો ઉઠાવ્યા છે અને જણાવ્યું છે કે કોંગ્રેસ બિહારીઓને બીડી સાથે સરખાવતી અપમાનજનક પોસ્ટ દ્વારા પોતાની માનસિકતા બહાર લાવી છે.
આ પહેલી વાર નથી કે કોંગ્રેસ અથવા તેના સાથીદારો પર બિહારીઓના અપમાનના આરોપ લાગ્યા હોય. અગાઉ પણ RJD અને કોંગ્રેસના કેટલાક નેતાઓએ બિહાર અને ત્યાંના લોકો અંગે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો છે. નોંધનીય છે કે થોડા સમય પહેલાં જ બિહારના દરભંગામાં યોજાયેલી રાહુલ ગાંધીની રેલી દરમિયાન કોંગ્રેસ અને RJDના મંચ પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની માતા અંગે અપશબ્દો બોલવામાં આવ્યા હતા. આ ઘટનાએ ભાજપના સમર્થકો જ નહીં પરંતુ સામાન્ય લોકોમાં પણ ભારે રોષ ફેલાવ્યો હતો. પરિણામે NDAએ 4 સપ્ટેમ્બરના રોજ 5 કલાક માટે બિહાર બંધનું એલાન કરીને કોંગ્રેસ અને RJD સામે કડક વિરોધ દર્શાવ્યો હતો.
આ સમગ્ર વિવાદ ચૂંટણીના સમયગાળામાં કોંગ્રેસ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. એક તરફ ભાજપ અને NDA આ મુદ્દાને બિહારમાં મોટાપાયે ઉઠાવી રહ્યાં છે, તો બીજી તરફ કોંગ્રેસની મૌનભાવના અને માફી ન માગવાની વૃત્તિએ લોકોમાં તેની સામે રોષ વધારે ઊંડો કર્યો છે. હવે જોવું એ રહ્યું કે આ વિવાદ ચૂંટણીમાં કેટલો અસરકારક સાબિત થશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel