વડોદરા શહેર પોલીસના “કન્વીકશન રેટ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ” હેઠળ નોંધાયેલા ગંભીર ગુનામાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. વર્ષ 2024માં ગૌરવ્રતની પૂજા માટે ગયેલી સગીરાને ભગાડી જનાર આરોપી વિરુદ્ધ દાખલ થયેલા પોક્સો (POCSO) એક્ટના ગંભીર ગુનામાં નામદાર કોર્ટ દ્વારા કડક સજા ફટકારવામાં આવી છે. આરોપી લાલજીભાઈ ઉર્ફે કૃણાલ શનાભાઈ ઠાકોરને 20 વર્ષની સખત કેદ તેમજ રૂ.50,000નો દંડ કરવામાં આવ્યો છે.
ઝડપભેર તપાસ અને મજબૂત પુરાવા બન્યા નિર્ણાયક
મંજલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કેસની ઝડપી અને સુનિયોજિત તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર કે.પી. ખરાડી તેમજ તેમની ટીમે સાક્ષીઓના નિવેદનો, એફએસએલ (FSL) રિપોર્ટ, મેડિકલ સર્ટિફિકેટ અને અન્ય મહત્વપૂર્ણ પુરાવાઓ સમયસર કોર્ટમાં રજૂ કર્યા હતા. ચેન ઓફ કસ્ટડી જાળવી રાખીને પુરાવાઓની વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવામાં આવી હતી, જેના કારણે ટ્રાયલ ઝડપી ગતિએ આગળ વધી શક્યો.
સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી ટ્રાયલ
આ કેસ વડોદરાની સ્પેશ્યલ પોક્સો કોર્ટ તેમજ એડિશનલ સેશન્સ કોર્ટમાં POCSO કેસ નં.96/2024 હેઠળ ચલાવવામાં આવ્યો હતો. સરકારી વકીલ પરેશ સી. પટેલે મજબૂત દલીલો રજૂ કરી હતી. “કન્વીકશન રેટ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ” અંતર્ગત ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ અને પ્રોસિક્યુશન વચ્ચે સંકલન જાળવી જરૂરી સહાય પૂરી પાડવામાં આવી હતી.
કોર્ટનો કડક આદેશ
કોર્ટ દ્વારા આરોપીને 20 વર્ષની સખત કેદ ઉપરાંત રૂ.50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાંથી રૂ.45,000 ભોગ બનનાર સગીરાને વળતર તરીકે ચુકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો આરોપી દંડ ભરવામાં નિષ્ફળ રહેશે તો વધારાના 2 વર્ષની સખત કેદ ભોગવવી પડશે.
બાળ સુરક્ષા માટે કડક સંદેશ
આ ચુકાદો પોક્સો એક્ટ હેઠળના ગુનાઓમાં કડક કાર્યવાહી અને ઝડપી ટ્રાયલના મહત્વને દર્શાવે છે. વડોદરા પોલીસના “કન્વીકશન રેટ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ” દ્વારા ગંભીર ગુનાઓમાં દોષિતોને કાયદેસરની સજા અપાવવામાં મદદ મળી રહી હોવાનું પોલીસ સૂત્રોનું કહેવું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel