કેસરીયા માહોલ વચ્ચે ભાજપના તમામ ૧૩ વોર્ડના ઉમેદવારોએ વિજય વિશ્વાસ સાથે એકસાથે નામાંકન પત્ર રજૂ કર્યા
જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, નડિયાદના સિનિયર ધારાસભ્ય પંકજ દેસાઈ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા.
નડિયાદ મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીના જંગમાં ભારતીય જનતા પાર્ટીએ આક્રમક શરૂઆત કરી છે. આજે ૧૦ એપ્રિલના રોજ ભાજપના તમામ ૫૨ ઉમેદવારોએ સંગઠિત થઈને સંતરામ મંદિર ખાતે દર્શન કર્યા બાદ વિશાળ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.
નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. શુક્રવારે સવારે ૧૧ કલાકે ભાજપના તમામ ૧૩ વોર્ડના ૫૨ ઉમેદવારો સંતરામ મંદિરના ચોગાનમાં એકત્રિત થયા હતા. અહીંથી ભાજપ દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીજેના તાલે અને કેસરીયા ધ્વજ સાથે નીકળેલી આ રેલીમાં ઉમેદવારોની સાથે મોટી સંખ્યામાં ટેકેદારો, દરખાસ્ત કરનારાઓ અને પક્ષના કાર્યકર્તાઓ જોડાયા હતા. રેલી શહેરના મુખ્ય માર્ગો જેવા કે, સંતરામ રોડ, સ્ટેશન રોડ, આરટીઓ રોડ અને મિશન રોડ પર ફરી હતી, જેના કારણે સમગ્ર માર્ગ કેસરીયા રંગે રંગાયો હતો. કાર્યકર્તાઓના ઉત્સાહ અને સૂત્રોચ્ચાર વચ્ચે આ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને શક્તિપ્રદર્શન સમાન બની રહી હતી.
શહેરના મુખ્ય માર્ગો પર ભ્રમણ કર્યા બાદ રેલી ડભાણ રોડ પર આવેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. અહીં ચૂંટણી અધિકારી સમક્ષ ભાજપના તમામ ૫૨ બેઠકોના ઉમેદવારોએ વિધિવત રીતે પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા. આ પ્રસંગે ભાજપના સ્થાનિક આગેવાનો અને સંગઠનના પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા. તમામ ઉમેદવારોએ એકસાથે ફોર્મ ભરીને ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. મહાનગરપાલિકામાં સત્તા જાળવી રાખવાના નિર્ધાર સાથે ભાજપ દ્વારા આજે કરવામાં આવેલા આ આયોજનમાં મોટી જનમેદની ઉમટી પડી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, નડિયાદના સિનિયર ધારાસભ્ય પંકજ દેસાઈ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel