નડિયાદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે ભાજપના અગ્રણી નેતા મનીષ પટેલ ની સર્વસંમતિથી વરણી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે કલ્પેશ રાવળ અને કારોબારી સમિતિના ચેરમેન તરીકે પરાગ બારોટ ની નિમણૂક કરવામાં આવી છે. ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવાને કારણે આ તમામ નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે કુલ 52 બેઠકોમાંથી 51 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો હતો, જેના પગલે પક્ષમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
નવનિયુક્ત પ્રથમ મેયર મનીષ પટેલ અગાઉ નડિયાદ નજીક આવેલ પીપલગ ગામના સરપંચ રહી ચૂક્યા છે. સ્થાનિક રાજકારણમાં તેમનો સારો પ્રભાવ અને સંગઠન પર મજબૂત પકડ હોવાનું માનવામાં આવે છે.
રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે મનીષ પટેલ નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ ના નજીકના વ્યક્તિ ગણાતા હોવાથી તેમને મેયર પદની જવાબદારી સોંપવામાં આવી છે.
બીજી તરફ ડેપ્યુટી મેયર તરીકે નિયુક્ત થયેલા કલ્પેશ રાવળ પ્રદેશ ભાજપ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ ના નજીકના ગણાય છે. તેઓ અગાઉ નડિયાદ નગરપાલિકામાં ઉપપ્રમુખ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે, જેના કારણે તેમના અનુભવને પણ મહત્વ આપવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.
નડિયાદ મહાનગરપાલિકાની નવી ટીમ આગામી સમયમાં શહેરના વિકાસકાર્યોને વધુ ગતિ આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel