વધતા ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તનના પડકારો વચ્ચે પર્યાવરણ સંરક્ષણ માટે ખેડા જિલ્લાના કપડવંજમાં એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ હાથ ધરવામાં આવી છે.
કપડવંજના નડીયાદ રોડ પર સુએઝ ફાર્મમાં ખાતે વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન જાપાનની પ્રસિદ્ધ મિયાવાકી પદ્ધતિ દ્વારા માત્ર ૧ હેક્ટર ઉજ્જડ જમીનને હરિયાળા જંગલમાં પરિવર્તિત કરીને ‘વન કવચ’નું નિર્માણ કરવામાં આવ્યું છે. રૂ. ૨૫ લાખના ખર્ચે વિકસાવવામાં આવેલા આ હરિત પ્રકલ્પે આજે સ્થાનિક પર્યાવરણને નવી દિશા આપી છે.
મિયાવાકી પદ્ધતિ હેઠળ ૧x૧ મીટરના અંતરે ૧ હેક્ટર વિસ્તારમાં ૧૦,૦૦૦ દેશી અને લુપ્તપ્રાય પ્રજાતિના વૃક્ષોનું ગીચ વાવેતર કરવામાં આવ્યું છે. ગીચ વાવેતરના પરિણામે છોડ વચ્ચે સૂર્યપ્રકાશ મેળવવા માટે સ્વાભાવિક સ્પર્ધા સર્જાતા વૃક્ષોનો વિકાસ અત્યંત ઝડપી બન્યો છે. પરિણામે માત્ર ૧૦ મહિનાના ટૂંકા ગાળામાં જ વૃક્ષોની ઊંચાઈ ૧૦ થી ૧૨ ફૂટ સુધી પહોંચી ગઈ છે.
વન કવચમાં વડ, પીપળો, આંબલી, આમળા, લીમડો, સીસમ, બીલી, કરમદા અને વાંસ વગેરે સહિત સ્થાનિક પર્યાવરણ માટે મહત્વપૂર્ણ એવી ૧૦થી વધુ દેશી પ્રજાતિના વૃક્ષોનું સંવર્ધન કરવામાં આવ્યું છે. આ ગીચ હરિયાળીએ સમગ્ર વિસ્તારમાં કુદરતી છત્ર (કેનોપી) ઊભું કર્યું છે, જેના કારણે નીંદણનો વિકાસ અટકે છે, જમીનમાં ભેજ લાંબા સમય સુધી જળવાઈ રહે છે અને વૃક્ષોની વૃદ્ધિ વધુ મજબૂત બને છે.
એક સમયે ઉજ્જડ અને નિર્જન રહેલી આ જમીન આજે પક્ષીઓ, નાના પ્રાણીઓ અને સરીસૃપો માટે કુદરતી નિવાસસ્થાન બની છે. પરિણામે સ્થાનિક જૈવવિવિધતાના સંવર્ધનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
આવનારા વર્ષોમાં આ વન કવચ અંદાજે ૧૦ લાખ લીટર વરસાદી પાણીનું સંચય કરીને ભૂગર્ભ જળસ્તર વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ઉપરાંત ઉનાળાની ઋતુમાં આસપાસના વિસ્તારનું તાપમાન અંદાજે ૩થી ૪ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડવામાં મદદરૂપ બનશે, જેના કારણે સ્થાનિક નાગરિકોને કુદરતી ઠંડક અને હરિયાળીનો લાભ મળશે. સાથે જ કાર્બન શોષણ ક્ષમતામાં વધારો થતાં ભવિષ્યમાં કાર્બન ક્રેડિટની દિશામાં પણ આ પ્રકલ્પ ઉપયોગી સાબિત થશે.
નાયબ વન સંરક્ષક અભિષેક સામરીયાએ જણાવ્યું કે, ચોમાસા દરમિયાન ખાસ કરીને જુલાઈ અને ઓગસ્ટ મહિના વૃક્ષોના મૂળના મજબૂત વિકાસ માટે અત્યંત અનુકૂળ હોય છે. આ સમયગાળા દરમિયાન કુદરતી ભેજ અને પૂરતા વરસાદને કારણે વૃક્ષો ઝડપથી વિકસે છે અને તેમની જીવનક્ષમતા વધુ મજબૂત બને છે. કપડવંજ ખાતેના આ સફળ પ્રયોગને ધ્યાનમાં રાખીને ખેડા જિલ્લામાં ગ્લોબલ વોર્મિંગ સામે હરિત અભિયાનને વધુ વેગ આપવા માટે ચાલુ વર્ષ દરમિયાન વધુ ૬ નવા ‘વન કવચ’ વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
પર્યાવરણ સંરક્ષણ, જળ સંચય, જૈવવિવિધતાનું જતન અને આબોહવા પરિવર્તન સામે લડત માટે આ પહેલ ખેડા જિલ્લામાં હરિત વિકાસનું એક સશક્ત મોડેલ બની રહી છે.
રીપોર્ટર – સુરેશ પારેખ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel