ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામમાં હ્રદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છાવી દીધી છે. અહીં ભાડે રહેતા પીથલપુર ગામના દિપક જયસુખભાઈ સોઢાતરના બે નાનકડા સંતાનો – 6 વર્ષીય તન્વી અને 4 વર્ષીય હિત – રમતા રમતા મકાન માલિકની ફોર વ્હીલ કારમાં પ્રવેશી ગયા હતા. પરંતુ દુર્ભાગ્યવશ કારનો દરવાજો લોક થઈ જતા બંને નાનાં ભાઈ-બહેન અંદર જ ગૂંગળાઈ ગયા અને તેમની દમઘૂંટીને દુઃખદ મૃત્યુ થઈ ગયું.
બપોર બાદ બાળકો ઘરમાંથી બહાર નીકળ્યા હતા, પરંતુ સાંજ સુધી ઘરે પાછા ન ફરતા, પરિવારજનો ચિંતિત બની તેમને શોધવા લાગ્યા. ઘણાં પ્રયાસો બાદ મકાનના આગલા ભાગમાં પાર્ક કરેલી કારમાં બંને બાળકો બેભાન અવસ્થામાં મળી આવ્યા. તરત જ તેમને તળાજાની સરકારી રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા.
આ દુઃખદ ઘટનાની વિગત એવી છે કે દિપકભાઈ ત્રણ સંતાનોના પિતા છે. તેમના લગ્ન ઠળિયા ગામના અમૃતભાઈ હરિભાઈ શિયાતરના પુત્રી સાથે થયા હતા. દિપકભાઈ સોધાતર રત્નકલાકાર તરીકે કામ કરે છે અને પરિવાર સાથે પાવઠી ગામે ભાડાનાં મકાનમાં રહે છે. મૃત્યુ પામેલી તન્વી ધોરણ 1 માં અભ્યાસ કરતી હતી, જ્યારે હિત ગામની આંગણવાડીમાં જતો હતો.
બાળકોની આ કરૂણ વિદાયથી પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટ્યો છે. સમગ્ર પાવઠી ગામ શોકમાં ગરકાવ થઈ ગયું છે. ઘટનાની જાણ થતા તળાજા તાલુકા પંચાયતના ભાજપના સભ્ય સંજયભાઈ કટારિયા તથા અન્ય લોકસેવકો અને સ્નેહીઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. આ ઘટના દરેક માતા-પિતાને ચેતવણી આપે છે કે નાના બાળકો પર સતત નજર રાખવી કેટલી જરૂરી છે, નહીંતર એક ક્ષણનો અફસોસ આખા જીવનભર દુઃખ આપી શકે છે.